અંજ‌િલ ફલાય ઓવરબ્રિજનું કામ હવે રાતે ૧૨થી સવારે ૬ સુધી નહીં થાય

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં શહેરમાં પાંચ બ્રિજ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં રાણીપ જીએસટી ફાટક ખાતે રોડ ઓવરબ્રિજ નિર્માણાધીન છે તો અંજલિ ફલાય ઓવરબ્રિજ સહિત ચાર ફલાય ઓવરબ્રિજ પ્રગતિ હેઠળ છે, જે પૈકી અંજ‌િલ ફલાય ઓવરબ્રિજને બનાવવાની કામગીરી એકાદ વર્ષ પહેલાં આરંભાઈ હતી. અત્યારે પણ આ ફલાય ઓવરબ્રિજનો ધમધમાટ છે, પરંતુ આસપાસના રહેવાસીઓની નિંદર રાતે પણ વિંઝાતા હથોડાના કારણે વેરણછેરણ થતી હતી, જેની શાસકો સમક્ષ ઉગ્ર રજૂઆત થતાં હવે રાતના બારથી સવારના છ વાગ્યા સુધી બ્રિજની કામગીરી બંધ રહેશે.

તંત્ર દ્વારા ગત તા. ૭ ઓક્ટોબર, ૨૦૧૬થી ૧૨૩૫ મીટર લાંબો અને ૧૬.૫૦ મીટર પહોળાઈ ધરાવતો ચાર લેનનો અંજલિ ફલાય ઓવરબ્રિજ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ માટે કુલ રૂ.૯૯ કરોડ ખર્ચાશે. અત્યારે તો આગામી તા.૫ ઓક્ટોબર, ૨૦૧૮એ આ બ્રિજ પ્રોજેક્ટને પૂર્ણ કરી દેવાની સત્તાવાળાઓની ગણતરી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય બ્રિજ પ્રોજેક્ટની જેમ આ બ્રિજ પ્રોજેક્ટ પણ વિલંબમાં પડ્યો છે. હજુ માંડ ૨૫ ટકા કામગીરી જ થઈ હોઈ હજુ દોઢ વર્ષે પણ તે પાર પડે તેમ લાગતું નથી.

જોકે બ્રિજના રાતભર ચાલતા નિર્માણકાર્યથી આસપાસની તેજપાલ સોસાયટી સહિતની નજીકની સોસાયટીઓના લોકોની ઊંઘ બગડતી હતી. રાતે ઝીંકાતા હથોડા, ગર્ડર અને સ્લેબ બનાવવાની કામગીરી, ટ્રક સહિતનાં ભારે વાહનોની અવરજવર, મજૂરોના કોલાહલથી આસપાસના રહેવાસીઓ કંટાળી ઊઠ્યા હતા. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને પાલડીના કોર્પોરેટર ડો. સુજોય મહેતાને પૂછતાં તેઓ કહે છે, ‘અંજ‌િલ ફલાય ઓવરબ્રિજના રાતે ચાલતા નિર્માણથી થતા ઘોંઘાટથી તેજપાલ સોસાયટી સહિતની નજીકની સોસાયટીના નાગરિકો પરેશાન હતા, જેના કારણે સ્ટેન્ડિંગ કમિટીમાં મેં રજૂઆત કરી હતી એટલે હવે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રાતના બારથી સવારના છ વાગ્યા સુધી બ્રિજની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે ખરેખર તો નાગરિકોની રાતના દસથી અંજલિ ફલાય ઓવરબ્રિજના નિર્માણની કામગીરી બંધ રાખવાની માગણી હતી, જેને તંત્રે ફગાવી દીધી છે.

You might also like