સરકારે આર્થિક સલાહકાર સુબ્રમણ્યિમનો કાર્યકાળ 1 વર્ષ વધાર્યો

દેશમાં ઘટતી જીડીપી અને વધતી જતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ શનિવારે કહ્યું કે, ‘સરકાર મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યિમનો કાર્યકાળ એક વર્ષ લંબાલવવામાં આવ્યો છે.’

પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સના ફેલો સુબ્રમણ્યિમને ઓક્ટોબર 2014માં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામા આવ્યા હતા. તેમનો કાર્યકાળ સમય ત્રણ વર્ષ માટેનો હતો, જે 16 ઓક્ટોબરે સમાપ્ત થતો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે.

અરુણ જેટલીએ કહ્યું હતું કે, ‘અરવિંદ સુબ્રમણ્યિમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ 2019માં પૂરો થશે. સીઈએ મહત્વના આર્થિક મુદ્દાઓ પર સલાહ આપે છે.’

કાર્યકાળ વધ્યા બાદ સુબ્રમણ્યિમે કહ્યું હતું કે, ‘હું નવા પડકારો માટે તૈયાર છું. સરકાર ઘણા મહત્વના મુદ્દાઓ પર કામ કરી રહી છે. અમારે જીડીપી, રોકાણ અને નિકાસમાં વધારો કરવાની જરૂર છે.’

અરવિંદે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફેંસ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ અમદાવાદની IIM માંથી એમબીએની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. તેમણે લંડનની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાથી એમફિલ અને ડીફિલની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

You might also like