કોંગ્રેસમાં કકળાટ : પ્રમુખ અનુજ પટેલનું રાજીનામું

વડોદરા : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ૨૪ ઓક્ટોબરે અનુજ પટેલને વડોદરા શહેરના કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા. શહેરના કાર્યકારી પ્રમુખ અનુજ પટેલે વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસને જીત અપાવવા માટે ખૂબ જ જોર પણ લગાવ્યું હતું. જો કે, ચૂંટણીના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા આજે અનુજ પટેલે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મોકલી આપ્યું છે. જેને પગલે વડોદરા કોંગ્રેસમાં ફરી એક વખત ભૂકંપ સર્જાયો છે.

આજે અનુજ પટેલના રાજીનામાથી કોંગ્રેસના માજી કોર્પોરેટ ઇમ્તિયાઝ પટેલે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે અકોટા વિધાનસભાના પ્રમુખ કમલેશ શિંદે અને વોર્ડ નં. ૧૨ના પ્રમુખ ચિરાગ શાહે અનુજ પટેલને કોંગ્રેસ પક્ષમાંથી હટાવી દેવાની માગ કરી છે. સાથે સાથે તેમણે જણાવ્યું છે કે, અનુજ પટેલનું પ્રમુખપદેથી રાજીનામું આપ્યુ છે ત્યારે હવે તેમના તરફથી મળેલી નોટિસનો જવાબ કોને આપવો પ્રદેશની નેતાગીરી દ્વારા કાર્યકારી પ્રમુખ અનુજ પટેલને હટાવવામાં આવ્યા છે તે અમે ચૂંટણીનો જંગ જીત્યા બરાબર છે.

વડોદરા ભાજપના નેતા પ્રફુલગીરી ગોસ્વામી ચૂંટણી ટાણે ચાર નવેમ્બરે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. માત્ર ચોવીસ કલાક પહેલાં જ કોંગ્રેસમાં જોડાયેલા પ્રફુલગીરીને કોંગ્રેસે વોર્ડ નં. ૧૨ની ટિકિટ પણ આપી દીધી હતી. જોકે પ્રફુલગીરીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે તેનું પોત પ્રકાશ્યુ હતું અને છેલ્લા દિવસે પ્રફુલગીરી ગોસ્વામીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને પાછા ભાજપમાં જોડાઇ ગયા હતા. જેથી ભાજપના ભરત ડાંગર બિનહરીફ વિજેતા જાહેર થઇ ગયા.

તે સમયે પ્રફુલગીરીની ઉમેદવારી પાછી ખેંચવાના પ્રકરણમાં કોંગ્રેસનું ફિક્સીંગ હોવા અંગે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. અનુજ પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ હોવાથી તેમના માથે જ માછલા ધોવાયા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપનાર અનુજ પટેલે જણાવ્યું હતું કે, મારી નિમણૂક માત્ર ચૂંટણી પુરતી જ કાર્યકારી પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્ણ થવાથી નૈતિક ફરજના ભાગરૂપે જ મેં મારું રાજીનામું આપ્યું છે. મને રાજીનામું આપવા માટે કોઇપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી.

જોકે સવાલ એ થાય છે કે, હજુ મતગણતરી બાકી છે જેથી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણી શકાય નહીં ત્યારે આવા સમયે અનુજ પટેલે રાજીનામું આપતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ અનુજ પટેલનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હોવાની ચર્ચા પણ વડોદરાના રાજકારણમાં ચાલી રહી છે.

You might also like