ડુંગળીના ભાવને અંકુશમાં લેવા લઘુતમ નિકાસ ભાવ વધારવાની કવાયત

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ડુંગળીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. પાછલા ચારથી છ સપ્તાહમાં ડુંગળીના ભાવ બમણાથી વધુ વધી ગયા છે. સિઝનની નવી આવક આવવાને હજુ બે મહિનાની વાર છે. ત્યારે ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લેવા સરકારે કવાયત હાથ ધરી છે. ડુંગળીના મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ વધારવા સંબંધ સરકાર ટૂંકમાં નિર્ણય લઈ શકે છે. સરકાર ચાલુ સપ્તાહે જ આ અંગે નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. સરકારે કોમર્સ વિભાગને આ અંગે દરખાસ્ત પણ મોકલી આપી છે. જે અંતર્ગત સરકારે ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ પ્રતિ ટન ૪૫૦ ડોલર થઈ શકે છે. કન્ઝ્યુમર અફેર્સ વિભાગે પાછલા સપ્તાહે આ અંગેની દરખાસ્ત પણ મોકલી આપી હતી. દેશમાં ચાર લાખ મેટ્રિક ટન બફર સ્ટોક છે. જ્યારે મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાંથી નવી આવક આવવાને હજુ બે મહિનાની વાર છે. આવા સંજોગોમાં ડુંગળીના ભાવ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેના પગલે સરકારે લઘુતમ નિકાસ ભાવ વધારવાની કવાયત હાથ ધરી છે.

પાછલા વર્ષે આ જ સમયગાળા કરતાં બમણા ભાવ
ડંુગળીના ભાવ સ્થાનિક બજારમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. હાલ સ્થાનિક બજારમાં છૂટકમાં ડુંગળીના ભાવ ૪૦થી ૫૦ રૂપિયાની પ્રતિકિલોની સપાટી પહોંચી ગયા છે. પાછલા વર્ષે આ સમયગાળામાં ડુંગળીના ભાવ પ્રતિકિલોએ રૂ.૧૫થી ૨૦ના ભાવે વેચાતી હતી. આમ પાછલા વર્ષની સરખામણીમાં બમણાથી પણ વધુનો ભાવમાં ઉછાળો નોંધાયો છે. સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી એક મહિનામાં સુધીમાં ડુંગળીના ભાવ ૫૦થી ૬૦ની સપાટી કૂદાવે તેવી શકયતા છે.

ચણાના ભાવમાં આગ ઝરતી તેજીની ચાલ જોવાઈ
ચણાના ભાવમાં આગ ઝરતી તેજીની ચાલ જોવાઈ છે. વાયદા બજારમાં ચણામાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જેના પગલે હાજર બજારમાં પણ સુધારાની ચાલ નોંધાઈ છે. હાજર બજારમાં છૂટકમાં ચણાના ભાવ ૮૫થી ૯૦ની સપાટીએ પહોંચી ગયા છે. માત્ર એક જ મહિનામાં ચણાના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો ઉછાળો જોવાઈ ચૂક્યો છે. નવી આવક આવે તે પૂર્વે તથા બજારના સેન્ટીમેન્ટ વચ્ચે ચણાના ભાવ ૧૦૦ની સપાટી વટાવે તેવી મજબૂત શક્યતાઓ સ્થાનિક વેપારીઓ દ્વારા વ્યકત કરાઈ રહી છે.

You might also like