ટેકસાસમાં ૪૮ કલાકમાં ૪૧ લાખ કરોડ લિટર પાણી વરસ્યું

ટેકસાસ: અમેરિકાના ટેકસાસમાં હાર્વે સાઈક્લોને ભારે તારાજી અને તબાહી સર્જી છે. ૧૨ વર્ષમાં સૌથી શક્તિશાળી હાર્વે સાઈક્લોન ત્રાટકતાં ટેક્સાસ અને હ્યુસ્ટનમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસમાં ટેક્સાસ શહેર પર ૪૧ લાખ કરોડ લિટર પાણી (૧૧ ટ્રિલિયન ગેલન) પડતા ભારે વિનાશ વેરાયો છે. બે લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હજારો લોકો ધાબા પર રાત વિતાવી રહ્યા છે. હ્યુસ્ટનમાં પાંચ લોકોનાં મોત થયાના અહેવાલ છે. હ્યુસ્ટન યુનિવર્સિટીના કેમ્પમાં ૨૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે.

ટેક્સાસ અને હ્યુસ્ટનમાં કેટલાક સ્થળોએ ૫૦ ઈંચ જેટલો વરસાદ થયો છે. હજુ બે ત્રણ દિવસમાં ૨૩ ઈંચ વરસાદ થવાની આગાહી છે. જો આવું થશે તો ૪૦ વર્ષનો રેકોર્ડ તૂટશે. ૧૯૭૮માં એલિસન તોફાનના કારણે ૫૦ ઈંચ વરસાદ થયો હતો.
ટેકસાસમાં ત્રાટકેલા મુશળધાર વરસાદને કારણે ચાર કિ.મી. લાંબી અને ચાર કિ.મી. પહોળી અને એટલી જ ઊંચી જગ્યામાં જળબંબાકાર સર્જાયો છે. ૪૧ લાખ કરોડ લિટર પાણીએ ૬૪ ચોરસ કિ.મી.ને ઘેરી લીધું છે. આટલા પાણીથી અમેરિકાના સૌથી મોટા અને દુનિયાના ૮માં નંબરના સૌથી મોટા સરાવર ગ્રેટ સોલ્ટ લેક બે વાર ભરાઈ શકે છે.

હાર્વે સાઈક્લોનના કારણે ટેક્સાસ અને હ્યુસ્ટનનો સંપર્ક એકબીજાથી કપાઈ ગયો છે. ૧૦૦ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. રૂ. ૩૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. હ્યુસ્ટન શહેરના ૧૦,૦૦૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હજુ ૩૦,૦૦૦ લોકોને હંગામી શેલ્ટરની જરૂર છે. અમેરિકન મીડિયાએ આ હોનારતને મહાપ્રલય ગણાવી છે. ૨૦૦૫માં કેટરિના તોફાનને કારણે જેટલી તબાહી થઈ હતી. એટલી તબાહી ટેક્સાસમાં જોવા મળી રહી છે.

You might also like