શહેરમાં સ્વાઇન ફલૂના કેસો ૧૪૦૦ને આંબી ગયાઃ મૃત્યુઆંક ૭૧

અમદાવાદ: અમદાવાદમાં સ્વાઇન ફલૂએ કાળો કહેર મચાવ્યો છે. ગઇ કાલ સાંજના ૬-૦૦ વાગ્યાથી આજ સવારના ૧૦-૦૦ વાગ્યા સુધી શહેરમાં વધુ ૬૦ કેસ નોંધાતાં ચાલુ વર્ષ દરમિયાન સ્વાઇન ફલૂના ૧૪૦૦થી વધુ સત્તાવાર કેસ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાઇ ચૂકયા છે. જ્યારે વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક ૭૧ પર પહોંચ્યો છે.

સ્વાઇન ફલૂના દર્દી માટે અસારવા સિવિલમાં ૧પ૮ પથારી, સોલા સિવિલમાં ૭૦ પથારી, વીએસ હોસ્પિટલમાં ૮૮ પથારી, એલજી હોસ્પિટલમાં ર૮ પથારી અને શારદાબહેન હોસ્પિટલમાં ૪૮ પથારી એમ કુલ ૩૯ર પથારીની આઇસોલેશન વોર્ડમાં વ્યવસ્થા કરાઇ છે. જે પૈકી ર૩૧થી વધુ દર્દી હાલમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઇ કાલથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો છે. જે હેઠળ કુલ ર.૭૯ લાખ ઘરમાં સર્વે કરાઇને ૩૬ર૦ શંકાસ્પદ કેસ પૈકી કેટેગરી બીના કુલ ૧૧૭ દર્દીને સારવાર અપાઇ હતી. આ ઉપરાંંત આશરે ૪.૮ર લાખથી વધુ નાગરિકને આયુર્વેદિક ઉકાળો અપાઇ ચૂકયો છે.

દરમિયાન સ્વાઇન ફલૂના દર્દીની સારવાર કરતા પેરામેડિકલ સ્ટાફમાં સ્વાઇન ફલૂથી ટપોટપ દર્દી મરણને શરણ થતાં હોઇ ભારે ફફડાટ ફેલાયો છે. પેરામેડિકલ સ્ટાફમાં ફફડાટને જોતાં તંત્ર દ્વારા પ૦૦થી વધુુ પેરામે‌િડકલ સ્ટાફને સ્વાઇન ફલૂની રસી અપાઇ છે. જોકે સામાન્ય નાગરિક માટે મ્યુુનિસિપલ સત્તાવાળાઓએ સ્વાઇન ફલૂની રસીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી.

You might also like