પત્રકાર રવીશકુમારને FB પર ગાળો ભાંડીઃ ગુનો દાખલ કરાયો

અમદાવાદ: એનડીટીવીના પત્રકાર રવીશકુમારને મનીષ સોમાણી નામની વ્યક્તિએ અમદાવાદ ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારીની અોળખ અાપી ફેસબુક એકાઉન્ટમાંથી મેસેજ કરીને ગાળો ભાડી હતી. આ બાબતે રવીશકુમારે પોતાના ફેસબુક પર આ અંગે પોસ્ટ કરી અને મેસેજના સ્ક્રીન શોટ મૂક્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના ધ્યાને આ બાબત આવતાં તેઓએ આ અંગે ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં ગુપ્ત રીતે તપાસ કરતાં આવી કોઈ વ્યક્તિ ન હોવાનું ધ્યાને આવતાં ક્રાઇમ બ્રાન્ચે ફેસબુક એકાઉન્ટધારક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગત 21 જુલાઈના રોજ એનડીટીવીના પત્રકાર રવીશકુમારને મનીષ સોમાણી નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવતી વ્યક્તિએ અમદાવાદ આઇઆઇએમમાંથી અભ્યાસ તેમજ ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. આ વ્યક્તિએ રવીશકુમારને ગાળ આપી ટીકા ટિપ્પણી કરી હતી. જેના પગલે રવીશકુમારે તેમના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી જણાવ્યું હતી કે જો ખરેખર આ વ્યક્તિ ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં હોય તો આ વિભાગની વિશ્વસનીયતા માટે સારું નથી તેમજ અમદાવાદ ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ સુધી આ વાત પહોંચતાં અને તેઓ આ વ્યક્તિને ગાળ દેવાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના ધ્યાને આ બાબત આવતાં તેઓએ આ અંગે ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં ગુપ્ત રીતે તપાસ કરી હતી. તપાસ બાદ મનીષ સોમાણી નામની આવી કોઈ વ્યક્તિ ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ કે.જી ચૌધરીએ જાતે ફરિયાદી બની મનીષ સોમાણી સામે ગુનો દાખલ કર્યો છે.

You might also like