નોટબંધીનો લાભ લેવા બેન્ક મેનેજરે સંબંધીના નામે એકાઉન્ટ ખોલ્યું, અાઈટીના ઇ-મેઇલે ભાંડો ફોડ્યો

અમદાવાદ: અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી આદર્શ કો.ઓપરેટિવ બેન્કની માધવપુરા બ્રાન્ચના મેનેજરે પોતના જ સંબંધીના અગાઉ લોન માટે આપેલા ડોક્યુમેન્ટ અને એલ.આઈ.સી પોલીસીનો ઉપયોગ કરી અને તેમની જ બેન્કમાં બોગસ બેન્ક એકાઉન્ટ ખોલ્યું હતું. નોટબંધી દરમ્યાન કમિશન લેવા માટે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની રૂ. ૩.૧ર લાખની નોટો બોગસ બેન્ક એકાઉન્ટમાં ભરી નવી ચલણી નોટ મેળવી લીધી હતી. આ અંગે જેનાં નામનું બેન્ક એકાઉન્ટ હતું તેઓના ઈ મેઈલ પર આયકર વિભાગની નોટિસ આવી હતી. જે મામલે તેઓએ તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ મેમનગર વિસ્તારમાં આવેલા સન પાવર ફ્લેટમાં રહેતા અને માણેકચોકમાં કરિયાણાની દુકાન ધરાવતા વિપુલકુમાર પ્રજાપતિના ભાણેજ જમાઈ વરુણકુમાર નારણભાઇ પ્રજાપતિ (રહે. ઘોડાસર,કાંસ ચાર રસ્તા) હાલ દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી આદર્શ કો.ઓપરેટિવ બેન્કની માધવપુરા બ્રાન્ચના મેનેજર તરીકે ફરજ બજાવે છે.
અગાઉ તેઓ ખોખરા ખાતે કાલુપુર કોમર્શિયલ બેન્કમાં ફરજ બજાવતા હતા ત્યારે વર્ષ ર૦૧ર-ર૦૧૩માં મકાન,ફોર વ્હીલ અને પર્સનલ લોન લેવા માટે મકાન અને એલ.આઇ.સી પોલિસી મોર્ગેજમાં મૂકી હતી. વિપુલકુમારે તે માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની ઝેરોક્સ કોપીઓ આપી હતી.

વર્ષ ર૦૧૬ના ચોથા મહિનામાં વરુણકુમારે એલઆઇસી પોલીસીના આધારે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલ્યું હતું. પુલભાઈની પોલિસી ઉપર નીતેશ પ્રજાપતિને રૂ.૭૭,પ૦૦ની લોન આપી હતી. વરુણકુમારે નોટબંધી દરમ્યાન કમિશન લેવા માટે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની રૂ.૩.૧ર લાખની નોટો બોગસ બેન્ક એકાઉન્ટમાં ભરી ખોટી સહીઓ કરી નવી ચલણી નોટ મેળવી લીધી હતી. દરમ્યાનમાં વિપુલકુમારને તેમના ઈ મેઈલ પર આયકર વિભાગની નોટિસ આવી હતી. જે મામલે તેઓએ તપાસ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. માધવપુરા પોલીસે આ અંગે વરુણકુમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like