બાઈક પાર્ક કરવાની બાબતમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો

અમદાવાદ: શહેરમાં સામાન્ય બાબતમાં હવે લોકો પર જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યા છે. ગઇ કાલે મોડી રાતે બાપુનગર વિસ્તારમાં બાઇક પાર્ક કરવા બાબતે ચાર જેટલા શખ્સોએ એક રિક્ષાચાલકને છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાપુનગર પોલીસે ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બાપુનગરના સુંદરમ્નગર પાસે આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં મહંમદ ઇમરાનખાન પઠાણ પરિવાર સાથે રહે છે. મહંમદ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ગઇ કાલે મોડી રાતે મહંમદને સુંદરમ્નગરમાં રહેતા પરવેઝ ઉર્ફે કાળિયા સાથે ઘર પાસે બાઇક પાર્ક કરવા બાબતે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરવેઝનો ભાઇ યુસુફ ઉર્ફે સીંગો, યુસુફ અકબરભાઇ અને શબ્બીરઅલી ત્યાં દોડી આવ્યા હતા અને મહંમદને ગડદાપાટુનો માર મારી પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. ઘટના બનતાં લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં, જેથી ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહંમદને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ બાપુનગર પોલીસને કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ બાઇક પાર્ક કરવા બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. હાલમાં મહંમદની હાલત નાજુક છે. બાપુનગર પોલીસે ચારેય વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેમને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

You might also like