શહેરની ૧૫૦ શાળાઓ ફી વધારવા માગતી નથીઃ સોગંદનામાં રજૂ કર્યાં

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ કમિટીની રચના થયા બાદ તેની સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટેની મુદત ૨૪મી મે જાહેર કરાઈ છે. તેથી ફી વધારો કરવા માગતી શાળાઓએ અરજી કરવા માટેનો આજે છેલ્લો િદવસ છે. છતાં શહેરની માત્ર ૩ શાળાઓએ ગઈ કાલ સુધી ફી વધારા માટે અરજી અને ૧૫૦ શાળાઓએ સરકારે નિયત કરેલા ધોરણ મુજબ ગઈ કાલ સુધી ફી લેવા અંગે હવે છેલ્લા દિવસે કેટલી અરજીઓ આવશે તે પણ એક પ્રશ્ન છે.

ફી નિર્ધારણ કમિટી સમક્ષ અરજી કરનાર નિકોલની વેદાંત સ્કૂલ અને વસ્ત્રાલની પોદાર ઈન્ટરનેશનલ સહિત ૩ શાળાઓએ અરજી કરી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આજે છેલ્લો દિવસ હોઈને ફી વધારો કરવા ઈચ્છતી શાળાઓની અરજીઓ વધુ પ્રમાણમાં આવે તેવી શક્યતા છે.

બીજી તરફ રાજ્યની ૯૦થી વધુ ખાનગી શાળાઓ રાજ્ય સરકારના ફી નિયમનના કાયદાને પડકારવા હાઈકોર્ટ સમક્ષ જઈ ચૂકી છે. આ તમામ શાળાઓને ફી વધારા માટેની અરજીની મુદત ૧૫ જૂન સુધીની હાઈકોર્ટ દ્વારા કરી આપવામાં આવી છે. ૧૨ જૂનના રોજ આ અંગેની સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને પણ ખાનગી શાળાઓના કેસમાં૧૨ જૂને જવાબ રજૂ કરવા જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાસ્ત અને એફિડેવિટ કરવા માટે માત્ર આજનો છેલ્લો દિવસ હોઈને ખાનગી શાળા સંચાલકો દોડતા થયા છે. આજે છેલ્લા દિવસે અરજીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. ફી નિર્ધારણ વિધેયક ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં પણ પસાર કરાયું છે. જેમાં દિલ્હીને બાદ કરતાં તમામ રાજ્યોમાં હાઈકોર્ટ સમક્ષ કેસ ચાલી રહ્યા છે.

રાજ્ય સરકાર ૧૨ જૂને હાઈકોર્ટમાં પોતાનું સોગંદનામુ કે જવાબ રજૂ કરે ત્યાં સુધી રાજ્યભરની ખાનગી શાળાના સંચાલકો ફી વધારા કે ફી યથાવત રાખવા માટે અરજી ન કરે તેવો નિર્ણય સંચાલકો દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યમાં ૯૩૮૪ સ્વનિર્ભર પ્રાથમિક શાળા, ૩૮૩૧ માધ્યમિક અને ૩૦૩૨ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. જે શાળાઓએ વધારે ફી લીધી હશે તેવી શાળાઓ માટે સમિતિના રિવ્યૂ બાદ આગામી સત્રમાં ફી સરભર કરવાની રહેશે. અગાઉના વર્ષમાં નિયત કરતા વધુ ફી લેવાઈ હશે તો તે બાબત હાલમાં ધ્યાને લેવાશે નહીં.
http://sambhaavnews.com/

You might also like