‘જિકા’નો હાહાકારઃ રિયો ઓલિમ્પિક રદ કરવા કે સ્થળ બદલવાની ૧૫૦ ડોક્ટર્સની માગણી

રિયોઃ બ્રાઝિલના શહેર રિયો ડિ જાનેરોમાં આ વર્ષે ઓગસ્ટમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવના આયોજન પર જિકા વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. દુનિયાના લગભગ ૧૫૦ ટોચના ડોક્ટર્સ, રિસર્ચર્સ અને મેડિકલના જાણકારોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પત્ર લખીને ઓલિમ્પિક રમતોત્સવને કોઈક અન્ય સ્થળે ખસેડવાની કે પછી સ્થગિત કરી દેવાની માગણી કરી છે.

જિકા વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંના એક બ્રાઝિલમાં આ મહાઆયોજનને લઈને તમામ ડોક્ટર અને એથ્લીટ્સ અગાઉથી જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ આ માગણી નકાઢતા કહ્યું હતું કે એવું કોઈ કારણ દેખાતું નથી કે જિકાને કારણે ઓલિમ્પિકને કોઈ અન્ય સ્થળે ખસેડવામાં આવે અથવા તેનું આયોજન પાછું ઠેલાય.

ડોક્ટર્સ તરફથી WHOને લખવામાં આવેલા પત્રએ ફરી એક ઓલિમ્પિક સામે પ્રશ્નો ઊભા કરી દીધા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ”તમામ એથલીટ, પ્રતિનિધિઓ અને પત્રકાર ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં સામેલ થવાને બાબતે મૂંઝવણમાં છે. અમે યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલની ભલામણો સાથે સંમત છીએ, જેમણે વર્કર્સને જિકા પ્રભાવિત વિસ્તારોમાં જવાથી બચવાની સલાહ આપી છે. જો આ સલાહને માની લેવામાં આવે તો કોઈ પણ એથલીટ જિંદગી અને રમત વચ્ચે જિંદગીને જ પસંદ કરશે.”

WHOએ પત્ર લખનારા લોકોમાં ઓટાવા યુનિવર્સિટીના પ્રોફેસર આમિર અત્તારન પણ સામેલ છે. આ મહિને તેમણે ‘ટાઇમ’ મેગેઝિન માટે લખેલા લેખમાં રિયોમાં ઓલિમ્પિકના આયોજનને ખોટું ગણાવ્યું હતું. આ પત્ર લખનારાઓમાં ન્યૂયોર્ક યુનિવર્સિટીના મેડિકલ એથિક્સના ડિરેક્ટર ડો. આર્થર કપ્લાન સહિત ઘણા દિગ્ગજ ડોક્ટર સામેલ છે. ડોક્ટર્સે પત્રમાં અપીલ કરતા લખ્યું છે, ”જિકા વાયરસ બાબતે ફરીથી વિચારણા કરવાની જરૂર છે.

ઓલિમ્પિક રમતોને ખસેડવા અથવા સ્થગિત કરવાનો નિર્ણય લેવો જોઈએ.”
જોકે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) અને WHOએ આ માગણી નકાઢતા કહ્યું હતું કે એવું કોઈ કારણ દેખાતું નથી કે જિકાને કારણે ઓલિમ્પિકને કોઈ અન્ય સ્થળે ખસેડવામાં આવે અથવા તેનું આયોજન પાછું ઠેલાય. મચ્છરોથી ફેલાતી આ બીમારી બ્રાઝિલમાં એક વર્ષ પહેલાં ફેલાઈ હતી, પરંતુ હવે જિકા વાયરસ ૬૦થી વધુ દેશમાં ફેલાઈ ચૂક્યો છે, એકલા બ્રાઝિલમાં જિકા વાયરસ ફેલાયો નથી.

પત્ર લખનારા લોકોનું કહેવું છે કે વિદેશી પ્રવાસીઓ ઉપરાંત જો એથલીટ આ વાયરસના સંપર્કમાં આવી જાય અને પોતાના દેશમાં જાય તો તે દેશમાં પણ જિકા વાયરસ ફેલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રિયો ઓલિમ્પિકનું તા. 5થી 21 ઓગસ્ટ દરમિયાન આયોજન થઈ રહ્યું છે.

You might also like