150 ફ્રી હોટસ્પોટથી ગ્લોબલ ટ્રેડ શો બનશે વાઇફાઇ, 9 મી એ PM ના હસ્તે થશે પ્રારંભ

ગાંધીનગર: શહેરમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. દર બે વર્ષે રાજ્યમાં યોજાતા વાઇબ્રટ ગુજરાત ગ્લોબલ સમીટનું દેશ-વિદેશમાં પ્રચાર માટે મહિનાઓ પહેલા પ્રચાર શરૂ થઇ ગયો છે. ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં આઠમું વાયબ્રન્ટ ગુજરાત યોજાનાર છે. જેના ભાગરૂપે હેલીપેડ ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉનું આયોજન કરાયું છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯મી જાન્યુઆરીએ ખુલ્લું મૂકશે.

આ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અંદાજે ૧,૫૦, ૦૦૦ ચો.મી. કુલ વિસ્તારમાં ફેલાયેલા ૧૪ થીમ આધારિત વિવિધ ૧૫૦૦થી વધુ સ્ટોલ્સનું નિર્માણ કરાયું છે. જેમાં 1500 થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે. લાખો લોકો આ પ્રદર્શનની મુલાકાત લેશે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ પ્રદર્શનની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ અને પ્રતિનિધિમંડળો માટે 150 થી વધુ હોટ સ્પોટ સાથેનું વાઇ ફાઇ નેટવર્ક ઊભુ કરવામાં આવ્યું છે. એટલે કે ત્યાં આવતાં તમામ મુલાકાતીઓ પોતાના ફોનમાં ફ્રી વાઇફાઇ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

નોંધનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉમાં જે મહત્વના પેવેલિયન ઉભા કરાયા છે તેમાં ઓટોમોબાઇલ્સ, એગ્રો એન્ડ ફૂડ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ, પર્યાવરણ, આરોગ્ય સંભાળ, ફાર્મા, બાયોટેક, એન્જીનિયરિંગ એન્ડ મેન્યુફેકચરિંગ, અર્બન મોબિલિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, મેરીટાઇમ, સંશોધન અને વિકાસ, આઇ.ટી.આઇ.ટી.ઇ.એસ. નાણાકીય સેવાઓ, સ્કીલ એજ્યુકેશન, ટેક્સટાઇલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનો, મહિલા ઉદ્યોગ સાહસિકો, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સાથે સાથે પ્રદર્શનમાં કોર્પોરેટ સેકટર, પબ્લિક સેકટર, પી.એસ.યુ. નવતર પ્રયોગો સહિત ભારતમાંથી એકત્ર કરાયેલ લોખંડમાંથી ઘડવામાં આવનાર સરદાર વલ્લભભાઇ પટેલની ”સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની પ્રતિમા અંગેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી સરકારની આશા છે.

visit: http://sambhaavnews.com/

You might also like