અમદાવાદની નગરી હોસ્પિટલમાં અંધાપાકાંડ ઃ ૧૫ દર્દીઓએ દૃષ્ટિ ગુમાવી

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી નગરી હોસ્પિટલમાં પડદાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ પૈકી ૧૫ જેટલાં દર્દીઓને સારવાર માટે અપાયેલા અવાસ્ટીનના ઈન્જેકશનની આડ અસર થતાં દર્દીઓએ દૃષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદ ઉઠી છે. આંખના તબીબોની બેદરકારીનો ભોગ બનેલાં દર્દીઓનાં સગાઓ દ્વારા મ્યુનિ. હોસ્પિટલના સત્તાવાળાઓ રજુઆત કરવામાં આવતા સમગ્ર મામલો દબાવવા પ્રયાસો કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોને બનાવની જાણ થતા મેયર ગૌતમ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલ સહિત કોર્પોરેટરો નગરી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને યોગ્ય તપાસ કરવા ખાતરી આપી હતી.

દરમિયાનમાં મેયર ગૌતમ શાહે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટના અંગે તજજ્ઞ ડોક્ટરો તપાસ કરી રહ્યા છે. આંખનો સોજો ઓછો થાય તે માટે રોહ જોવાઈ રહી છે. આ અંગે આપવામાં આવેલા ઈન્જેકશનની લેબોરેટરી તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે નગરી હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરો દ્વારા દર્દીઓની દેખરેખ ચાલુ રહેશે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી અને આંખોની સારવાર માટે જાણીતી નગર હોસ્પિટલમાં આંખોની સારવાર માટે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૫ જેટલાં દર્દીઓને પડદાની સારવાર માટે અવાસ્ટીનનું ઈન્જેકશન આપવામાં આવ્યું હતું. બાદમાં આ દર્દીઓને આંખનાં ભાગે સોજો આવતાં હાજર તબીબોને તે બાબતની જાણ કરવામાં આવી હતો.

જોકે આંખો ઉપર સોજો આવ્યા બાદ આ તમામ દર્દીઓને આંખે દેખાવાનું બંધ થતાં દૃષ્ટિ ગુમાવ્યાનો અહેસાસ થયો હતો. બાદમાં દર્દીનાં સંબંધીઓએ તંત્રને કાર્યવાહી કરવા અંગે જાણ કરવા જતાં સમગ્ર મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ ખાતે દર્દીના સગાઓએ હોબાળો મચાવતા સમગ્ર મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.

આરોગ્ય મંત્રી નીતીન પટેલ દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ અંગે આરોગ્ય કમિશનરને સાથે ચર્ચા કરી હતી અને તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ કરવા આદેશ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ રાજકોટમાં આવો અંધાપા કાંડ સર્જાયો હતો. જેમાં રાજકોટના જંકશન પ્લોટ ખાતે આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં રાહત દરે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ દર્દીઓએ આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. જે માટે તેઓ પાસેથી ૪-૪ હજાર રૃપિયા પણ લેવાયા હતા.

જોકે બીજા દિવસે સાંજ બાદ એક એક કરતા ૧૧ દર્દીઓ આંખમાં દેખાતું ન હોવાની ફરિયાદ થતાં તેમણે દૃષ્ટિ ગુમાવી હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મુદ્દે ભારે હોબાળો થતાં આ અંધાપા કાંડ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનશે.

દરમિયાનમાં મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ દર્દીઓની મુલાકાત લઈને જવાબદારી સામે પગલાં લેવા અને જે ઈન્જેકશન આપવામાં આવ્યા છે તેની સંપૂર્ણ તપાસ કરવા માંગણી કરી છે.

You might also like