૧૫ મિનિટ કરતા વધુ સમય ટીવી જોનાર બાળકોની રચનાત્મકતા ઘટે

લંડન: આમ તો આપણે બધા સારી રીતે જાણીઅે છીઅે કે બાળકો કાર્ટૂન જોવાના બહુ શોખીન હોય છે અને મોટા ભાગનાં મા બાપ જ્યારે તેમનાં અગત્યના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે તેઓ તેમના બાળકોને ટીવી પર કાર્ટૂન લગાવી દઈને તેમને બેસાડી દેતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકોમાં ટીવી જોવાથી તેમની વિચાર શકિતમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેમની રચનાત્મક શકિત પર પણ અસર પડી રહી છે? એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે પુસ્તકો વાંચતાં બાળકોની સરખામણીઅે સતત ૧૫ મિનિટ અથવા તેનાથી વધુ સમય ટીવી પર કાર્ટૂન જોતાં બાળકોમાં રચનાત્મક શકિત ઘટી જવાનું જોખમ વધુ રહે છે.

બ્રિટનના સ્ટેફોર્ડશાયર વિશ્વ વિદ્યાલયના પ્રવકતા સરાહ રોજે આ અંગે જણાવ્યું છે કે આ અંગે સર્વે કરતાં જોવાં મળ્યું છે કે સતત ૧૫ મિનિટ કે તેનાથી વધુ સમય ટીવી જોતાં બાળકો ટીવી જોયા બાદ મોટા ભાગનાં બાળકોને તેમના મૂળ વિચાર પર આવતા વાર લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો બાળકો તેમની રમતમાં ઓછા રચનાત્મક હોય તો તેઓ આગળ જતા તેમના વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે. સરાહે વધુમાં જણાવ્યું કે અનેક લોકોની એવી ધારણા હોય છે કે ધીમી ગતિવાળા કાર્યક્રમ વધુ શિક્ષણપ્રદ હોય છે. પરંતુ અમારા સર્વેમાં આવી ધારણા ખોટી સાબિત થઈ છે.

આ અંગેના સર્વેમાં સંશોધન ટીમે ત્રણ વર્ષનાં બાળકોની રચનાત્મકતા અંગે ટીવીની તાત્કાલિક અસર પર અભ્યાસ કર્યો હતો. જેમાં પોસ્ટમેન પૈટ સિરિયલ જોવા વાળાં બાળકો સાથે પુસ્તક વાંચતાં બાળકોની સરખામણી કરવામાં આવી હતી. અને બાદમાં બાળકોમાં વધુ રચનાત્મક વિચારોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ બાળકો માટે ટેલિવિઝન શો બનાવનારા, નાનાં બાળકોને ભણાવનારાં અને માતા પિતા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ અભ્યાસનાં તારણને તાજેતરમાં બેલફાસ્ટમાં બ્રિટિશ સાઈકોલોજિકલ ડેવલપમેન્ટ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

You might also like