હવે ૧૫ દિવસમાં પ્રત્યેક નાનાં બાળકનાં ઘરે ફ્રી ORS પહોંચશે

નવી દિલ્હી: તમારા પરિવારમાં પાંચ વર્ષ સુધીનું બાળક હોય તો આગામી ૧૫ દિવસમાં આરોગ્ય કાર્યકરો આપના ઘરે વિના મૂલ્યે ઓઆરએસનું પેકેટ લઈને આવશે. ડાયરિયાને કારણે દર વર્ષે સવા લાખથી વધુ બાળકોનાં મૃત્યુ થાય છે અને તેના પર નિયંત્રણ લાવવા સરકારે આ અભિયાન હાથ ધર્યું છે. પાંચ વર્ષ સુધીની ઉંમરનાં ૧૦ કરોડ બાળકોને આવરી લેવાનું લક્ષ્ય છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના પ્રમુખ સી.કે. મિશ્રાએ જણાવ્યું છે કે ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખીને આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આશા સ્વાસ્થ્ય કાર્યકરો ઓઆરએસનાં પેકેજ સાથે પરિવારના લોકોને બાળકોને ઝાડા ઊલટીથી બચાવવાના ઉપાય અને આ દરમિયાન અપનાવવાનાં સાધનો જાણકારી પણ આપશે. ડાયરિયાથી પીડિત બાળકો માટે ૧૪ દિવસની ઝિંક્ની ટેબલેટ વિના મૂલ્યે આપવામાં આવશે.

ગઈ સાલ આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવ્યો હતો અને ૬.૩ કરોડ બાળકોને તેના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એ જ રીતે ગયા વર્ષે આ સ્પેશિયલ પખવાડિયા દરમિયાન ડાયરિયાની સમસ્યાથી પીડિત ૨૧ લાખ બાળકોને ઓઆરએસ અને ઝિંક ટેબલેટ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રમાં ૩.૫ લાખ ઓઆરએસ કોર્નર બનાવવામાં આવ્યા હતા.

You might also like