તુર્કીએ પીઠમા ભોંક્યો છે છરો, આવી શકે છે ગંભીર પરિણામ : પુતિન

મોસ્કો : રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સીરિયન સરહદ પર તેનું યુદ્ધ વિમાન તોડી પાડવામાં આવ્યા બાદ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની દાટી મારી હતી. ગુસ્સે ભરાયેલા પુતિને તુર્કીનાં આ કૃત્યને પીઠમાં છરો ભોંકવા સમાન જણાવ્યું હતુ. પુતિને તુર્કી પર આઇએસ સાથે તેની મિલીભગતનો આરોપ પણ લગાવ્યો હતો. પુતિને કહ્યું કે તુર્કીએ રશિયાનાં યુદ્ધ વિમાનો તોડી પાડીને અમારી પીઠમાં છરો ભોંક્યો છે. તુર્કીની આ હરકત આતંકવાદ સાથે મિલીભગત સમાન છે.
ઉલ્લેખનીય છે કે તુર્કીનાં યુદ્ધ વિમાનોએ સીરિયાની સરહદ પાસે મંગળવારે રશિયાનાં એક યુદ્ધ વિમાનને ફુંકી માર્યું હતું. રાષ્ટ્રપતિ કાર્યાલયનાં સુત્રાનુસાર રશિયાનાં વિમાને તુર્કીની હવાઇ સરહદનું ઉલ્લંધન કર્યું હતું. જો કે રાષ્ટ્રપતિ કાર્યાલયે સ્પષ્ટતામાં જણાવ્યું કે અમારા પ્લેન દ્વારા અગાઉ ચેતવણી અપાઇ હતી. તેમ છતા પણ પ્લેન નહી અટકાવવામાં આવતા રશિયાનાં પ્લેનને ફૂંકી મારવામાં આવ્યું હતું.
આ યુદ્ધ વિમાન સીરિયા સરહદ નજીક આવેલ લતાકિયાનાં યમાડી ગામમાં તુડી પડ્યું હતું. જો કે ગામલોકોનાં અનુસાર તેમણે બે પાયલોટને છતરી દ્વારા ઉતરતા જોયા હતા. વીડિયો ફુટેજમાં દેખાય છે કે વિમાન લતાકિયા પ્રાંતનાં પર્વતોમાં તુડી પડ્યું હતું. એક રિપોર્ટરનો દાવો છે કે ફૂંકી દેવાયેલા વિમાનનાં એક પાયલોટનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય એકને વિસ્તારમાં પકડી લેવામાં આવ્યો છે. બીજી તરફ રશિયન હેલિકોપ્ટર આ વિસ્તારમાં કાટમાળ અને પાયલોટને શોધી રહ્યું છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમનાં વિમાનને તુર્કીની હવાઇ સરહદનું ઉલ્લંધન કર્યું નહોતું. સમગ્ર ઉડ્યન દરમિયાન વિમાન સીરિયન હવાઇ સીમામાં જ હતું. જેનાં પુરાવા સમાન વોચિંગ ચાર્ટ પણ છે.
અત્રે નોંધનીય છે કે તુર્કીએ આ પહેલા સીરિયા અને રશિયાને હવાઇસીમા મુદ્દે ચેતવ્યું હતું. તુર્કીનાં વિદેશ મંત્રાલયે રશિયન એમ્બેસેડરને પણ જણાવ્યું હતું કે જો રશિયન વાયુસેના લતાકિયા વિસ્તારમાં તુર્કમેની ગામો પર બોમ્બમારો નહી અટકાવે તો ગંભીર પરિણામો આવશે.

You might also like