જીએસટી આવતા વર્ષથી અમલી બનવાની આશાઃ વડાપ્રધાન મોદી

સિંગાપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપુરની બીજા દિવસની મુલાકાત દરમ્યાન બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ,સાઈબર સુરક્ષા અને નાગરિક ઉડ્ડયન સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ૧૦ સમજૂતી કરાર થયા હતા. સિંગાપુરના વડાપ્રધાન લી સીન લૂંગ સાથેની બેઠક બાદ બંન્નેએ સંયુક્ત ઘોષણાપત્ર પણ જારી કર્યું હતું. આ અગાઉ મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ ટોની તાન કેંગ યામની મુલાકાત લીધી હતી.
બાદમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષ ૨૦૧૬થી જીએસટીનો ભારતમાં અમલ શરૂ થઈ જશે. તેમણે કહ્યું હતું કે વિદેશી મૂડીરોકાણ માટે ભારત સૌથી વધુ મુક્ત અર્થતંત્રો પૈકીનુ એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાતના બીજા દિવસે સિંગાપુરના રાષ્ટ્રપતિ ટોની તાન કેંગ યામની મુલાકાત લીધી હતી.
જ્યાં તેમના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ‘ઈસ્તાના’માં મોદીનું પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં તેમણે નિવાસસ્થાન અને કાર્યાલય ‘ઈસ્તાના’ પર એક ટિકિટ પણ બહાર પાડી હતી. ત્યારબાદ મોદીએ તેમના સમકક્ષ લી સીન લૂંગ સાથે સત્તાવાર મંત્રણા યોજી હતી.બંન્નેએ દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દા વિશે ચર્ચા કરી હતી.
બાદમાં સંરક્ષણ,સાઈબર સુરક્ષા અને નાગરિક ઉડ્ડયન, શહેરી વિકાસ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન સહિતના ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ માટે ૧૦ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાદમાં બંન્નેએ સંયુક્ત ઘોષણાપત્ર જારી કર્યું હતું. તેમાં જણાવાયું હતું કે ભારત અને સિંગાપુર પોતાના દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવીને વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત કરશે, જેથી સહયોગના હાલના ક્ષેત્રોમાં સંબંધ વધુ વ્યાપક બનાવી શકાય અને રાજકીય, સંરક્ષણ તેમજ સુરક્ષા સહયોગથી લઈને આર્થિક, સાંસ્કૃતિક અને પ્રજા વચ્ચે પરસ્પર સંપર્ક જેવા નવા સંબંધોને પ્રોત્સાહિત કરી શકાય.
સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે થયેલી સમજૂતીમાં સંરક્ષણ મંત્રીઓના સ્તરે મંત્રણા, બંન્ને દેશોના સશસ્ત્ર દળોની સંયુક્ત કવાયત તેમજ સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગની જોગવાઈ છે, જેથી સહઉત્પાદન અને સહવિકાસના ક્ષેત્રોની ઓળખ થઈ શકે. નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સિંગાપુર કોઓપરેશન એન્ટરપ્રાઈઝ વચ્ચે એક સમજૂતી થઈ છે.
તે અંતર્ગત નાગરિક વિમાન સેવાઓ અને એરપોર્ટના મેનેજમેન્ટના ક્ષેત્રમાં પારસ્પારિક સંમતિના આધારે સહયોગ વધારવામાં આવશે. તેની શરૂઆત જયપુર અને અમદાવાદ વિમાનીમથકથી થશે.ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતમાં આગામી વર્ષ ૨૦૧૬થી જીએસટીનો અમલ શરૂ થઈ જશે.
તેમણે ઉમેર્યું કે વિદેશી મૂડીરોકાણ માટે ભારત સૌથી વધુ મુક્ત અર્થતંત્રો પૈકીનુ એક છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેના લાભ સામાન્ય માનવીને મળે તે માટે અમે ભારે પરિશ્રમ કરી રહ્યા છીએ. વિદેશી મૂડીરોકાણમાં ૪૦ ટકાનો વધારો થયો છે અને રેલ્વેમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજૂરી અપાઈ છે.

You might also like