કૌભાંડી સાજિદે ગોલ્ફ કાર માટે આપેલો ૨૦.૨૭ લાખનો ચેક બાઉન્સ થયો

અમદાવાદ: કૌભાંડી સાજિદ સૈયદે હેલ્પિંગ હેન્ડ નામની એનજીઓ થકી ગુજરાત પોલીસનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી આચરી છે. સાજિદ સૈયદ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ છે. સાબરમતી સેન્ટ્રલ જેલ અને જૂનાગઢ ખાતે તાલીમ કચેરીમાં ગોલ્ફ કાર મૂકવાનું કહી કંપની સાથે રૂ.17.12 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા નાખવાનું કહી જૂના વાડજ સર્કલ અને નિર્ણયનગર ગરનાળા પાસે સીસીટીવી કેમેરા નખાવીને વેપારીને રૂ.80,000 ચૂકવ્યા ન હોવાનું બહાર આવ્યું છે.

મૂળ મુંબઈના સાજિદ સૈયદ અમદાવાદ ખાતે આવી સૌપ્રથમ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળ્યો હતો. પોતે હેલ્પિંગ હેન્ડ નામની સંસ્થા ચલાવતો હોવાનું કહીને પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લીધા હતા. પોલીસ કમિશનર અને અનેક પોલીસ અધિકારીઓ સાથે ફોટા પડાવી પોલીસ સાથે સારો ઘરોબો હોવાનો દમ મારતો હતો. પોલીસ ખાતાનો જ ઉપયોગ કરી પોલીસ સીસીટીવી કેમેરા, વાઈફાઈ પ્રોજેક્ટ અને ગોલ્ફ કાર મૂકવાનું કૌભાંડ કર્યું છે. સાજિદ મુંબઈની ગોલ્ફ કાર બનાવતી કંપનીનો સંપર્ક કરીને પોતાની કંપની દ્વારા પોલીસ ખાતામાં ગોલ્ફ કાર આપવાનું જણાવ્યું હતું. આઈજી, ડીઆઇજી તેમજ કલેક્ટર અને સાંસદો સાથે પોતાને સારી ઓળખાણ હોવાનું જણાવી જેસલબહેન કોઠારી સાથે મોટા મોટા ઉદ્યોગપતિ અને અધિકારીઓ પાસેથી ફંડ લઇ ગરીબ કલ્યાણનું કામ કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

સાજિદ સાબરમતી સેન્ટ્રલ જેલ અને જૂનાગઢ ખાતે તાલીમ કચેરીમાં ચાર ગોલ્ફ કાર મૂકવાનું કહી કંપનીને ચાર કારનો ઓર્ડર આપ્યો હતો, જેથી કંપનીએ ત્રણ કાર સાબરમતી સેન્ટ્રલ જેલ અને એક કાર જૂનાગઢ તાલીમ વિદ્યાલયમાં મોકલી હતી. સા‌િજદે રૂ. 20.27 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થતાં સાજિદનો કંપનીએ સંપર્ક કરતાં ફોન અને ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયો હતો. કંપનીને બાકી લેવાના નીકળતા રૂ.17.12 લાખ ન ચૂકવીને છેતરપિંડી કરતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે.

નારણપુરાના ધવલ શાહને પણ સાજિદ વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સીસીટી કેમેરા નાખવાનું કહી વાડજ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. પીઆઈ વી.જી. રાઠોડની ચેમ્બરમાં જ રાઠોડ પીઆઈ સાથે વાત કરી વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 75 જગ્યાએ સીસીટીવી કેમેરા નાખવાનું લિસ્ટ આપ્યું હતું, જેમાં જૂના વાડજ સર્કલ અને નિર્ણયનગર ગરનાળા પાસે ચાર-ચાર સીસીટીવી કેમેરા નખાવીને વેપારીને રૂ.80,000 ચૂકવ્યા ન હતા.
http://sambhaavnews.com/

You might also like