મોબાઈલ રિચાર્જ કરવાની બાબતે મિત્રો ઝઘડ્યાઃ એકે બીજાનું ખૂન કરી નાખ્યું

અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી હોટલ એક્સેલના ધાબા પર ગત રાત્રે મોબાઇલ ફોનમાં રિચાર્જ જેવી નજીવી બાબતમાં બે યુવકો વચ્ચે ઝઘડો થતાં એક યુવક અન્ય યુવકને માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. કાલુપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

મૂળ નેપાળના સીરના ગામનો રહેવાસી ગણેશ નંદલાલ સાદા કાલુપુર રેલવે સ્ટેશન પાસે ડીસીપી ઝોન-૩ની ઓફિસ સામે આવેલી હોટલ એક્સેલમાં સ્વીપર તરીકે નોકરી કરે છે. અા જ હોટલમાં તેના મામાનો દીકરો અજયકુમાર સાદા (ઉં.વ.રર) સ્વીપર તરીકે નોકરી કરતો હતો.

મૂળ નેપાળના સીકના જિલ્લાનો અને તેના જ ગામનો રહેવાસી જીતેન રામલખન સાદા ગઇ કાલે સાંજે ૭ વાગ્યે ગણેશ અને અજયને મળવા કાલુપુરની હોટલ એક્સેલ ખાતે આવ્યો હતો. અજય અને જીતેન હોટલ એક્સેલના ધાબા ઉપર બેસી વાતો કરતા હતા. દરમ્યાનમાં મોબાઇલ રિચાર્જ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ જીતેને કોઇ બોથડ પદાર્થ લઇ અજયને માથાના ભાગે મારી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ જીતેન ત્યાંથી ફરાર થઇ ગયો હતો. થોડા સમય બાદ હોટલમાં કામ કરતા એક કર્મચારીએ ગણેશને તારા ગામના સગા મળવા આવ્યા છે અને અજય સાથે ધાબા પર છે બેઠા છે તેમ જણાવતાં ગણેશ ધાબા પર પહોંચતાં અજય લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં કાલુપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર અજય અને જીતેન વચ્ચે મોબાઇલમાં ‌િરચાર્જ બાબતે ઝઘડો થયો હતો, જોકે મૃતક અને આરોપી બંને એકલા જ હતા અને ખરેખર કઇ બાબતે ઝઘડો થયો અને હત્યાનું સાચું કારણ આરોપી જીતેનના પકડાયા બાદ જ સામે આવશે.
http://sambhaavnews.com/

You might also like