હું નથી આવવાનો ફોન ન કરતાં અને રાહુલ પર પોલીસ કેસ કરજો

અમદાવાદ : ‘હું નથી આવવાનો, ફોન ના કરતા અને રાહુલ ઉપર પોલીસ કેસ કરજો. હું બરબાદ થઇ ગયો.’ આ છેલ્લા શબ્દો છે. ઘાટલોડિયામાં રહેતાં યુવકનાં. યુવકે ગઇકાલે સવારે સરદારબ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
ઘાટલોડિયા વિસ્તારમાં ભૂયંગદેવ સોસાયટી પાસે આવેલા સ્વતંત્ર બંગ્લોઝમાં વિશાલ પિયુષભાઇ પરીખ (ઉં.વ.૨૫) રહેતો હતો. વિશાલ એલઆઇસી એજન્ટનું કામકાજ કરતો હતો. ચારેક દિવસ પહેલાં સવારે વિશાલ નવેક વાગ્યે મિત્રને આપેલા પૈસા લઇનેઆવું છું, તેમ કહી ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે ઘરે પરત ન ફરતાં તેના પિતાએ તેને ફોન કર્યો હતો અને ફોન કરતા વિશાલે હમણાં આવું છું કહ્યું હતું. બાદમાં મોડી રાત્રે વિશાલેતેના પિતાનાં ફોન પર મેસેજ કર્યો હતો કે, હું નથી આવવાનો, ફોન ન કરતાં અને રાહુલ ઉપર પોલીસ કેસ કરજો. ઓકે, હું બરબાદ થઇ ગયો છું. જેથી રાહુલનાં પિતા તાત્કાલિક ઘાટલોડિયા પોલીસ સ્ટેશન દોડી ગયાં હતાં અને તપાસ શરૂ કરાવી હતી.
બીજી તરફ ૨૨મી તારીખે સવારે ફાયરબ્રિગેડે સરદારબ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવી આત્મહત્યા કરતાં તેની લાશ બહાર કાઢી હતી. તેના ખિસ્સામાં તપાસ કરતાં તેનું નામ વિશાલ પરીખ હોવાનું જાણવા મળ્યું હતું. તેના પિતાને આ અંગે જાણ કરાતાંતેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતાં.રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ડી. જી. ડાભીએ જણાવ્યું હતું કે, હાલમાં અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. રાહુલ કોણ છે અને કોની પાસેથી કેટલા પૈસા લેવાનાં હતાં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like