શહેરમાં તસ્કરોએ મચાવેલો તરખાટઃ વાહનો સહિત રૂપિયા ૨૦ લાખની માલમતાની ઉઠાંતરી

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી વાહનો સહિત રૂપિયા ૨૦ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે ગુના દાખલ કર્યા છે.

અા અંગેની વિગત એવી છે કે કૃષ્ણનગરમાં નાગણેશ્વરી જ્વેલર્સ પાસેના ગોડાઉનમાંથી રૂપિયા પોણા બે લાખની સોપારીની બોરીની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે વાડજમાં ઈનકમટેક્સ બસ સ્ટેન્ડ પાસે ઊભેલી દીનાબહેન શાહ નામની મહિલાની નજર ચુકવી ગઠિયાએ રૂપિયા ૬૦ હજારની સોનાની બંગડીની તફડંચી કરી હતી. ગોતામાં અાવેલ ભગવતીનગર ખાતે મકાનમાં રહેતા વિષ્ણુભાઈ નાગજીભાઈ રબારીના માતા ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના કાનમાંથી કોઈ ગઠિયો રૂપિયા એક લાખની કિંમતની સોનાની બુટ્ટી તફડાવી ફરાર થઈ ગયો હતો. ઓઢવમાં એએમસીના પમ્પિંગ સ્ટેશનની પાછળ અાવેલા મેદાન નજીકથી મધુબાલા પાંડે નામના મહિલાના હાથમાંથી રૂપિયા ૪૦ હજારની રકમ સાથેના પર્સની તફડંચી થઈ હતી.

ઓઢવમાં રિંગરોડ પર રોયલ હોટલ પાછળ અાવેલ કર્ણાવતી એસ્ટેટ પાસે પાર્ક કરેલી રૂપિયા ૧૨ લાખની કિંમતની ટ્રકને વાહનચોરો રાત્રી દરમિયાન ઉઠાવી ગયા હતા. અા ઉપરાંત સારંગપુર દરવાજા પાસેથી એક સીએનજી રિક્ષાની ઉઠાંતરી થઈ હતી. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી એક બાઈકની અને અા જ વિસ્તારમાં અાશીર્વાદ કોમ્પ્લેક્સ પાસેથી એક એક્ટિવાની તસ્કરોએ ઉઠાંતરી કરી હતી.

વટવામાં સૈયદવાડી નજીક અાવેલ એક કરિયાણાની દુકાનમાંથી રૂપિયા ૧૪ હજારની ચીજવસ્તુઓની અને ઘોડાસર કેનાલ રોડ પર અાવેલ એક પ્રોવિઝન સ્ટોરમાંથી રૂપિયા ૨૫ હજારની માલમતાની ચોરી થતાં પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like