શહેરમાં અઠવાડિયા સુધી વાદળછાયા વાતાવરણ-હળવા વરસાદની શકયતા

અમદાવાદ: અમદાવાદમાં આજ સવારથી આકાશમાં વરસાદી પાણીથી ભરાયેલાં કાળાં ડિબાંગ વાદળાં છવાયેલાં રહ્યાં હતાં. છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં ચોમાસાનો માહોલ ગાયબ હતો પરંતુ આજે હવામાન પલટાતાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડ્યા હતા. જેના કારણે સમગ્ર વાતાવરણ ખુશનુમા થઇ ગયું હતું. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આગામી સાત દિવસ સુધી વાદળછાયા વાતાવરણની સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે.

જમાલપુરના જગન્નાથ મંદિરથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા આડે હવે ગણત્રીના દિવસ બાકી રહ્યા છે. ૧૪૦મી રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવા શહેરીજનો તલપાપડ બન્યા છે. સામાન્ય રીતે રથયાત્રા વખતે ભગવાન જગન્નાથને વધાવવા આકાશમાંથી અમી છાંટણાં થતાં હોય છે પરંતુ આ વખતે પ્રિ મોન્શૂન એક્ટિવિટી હેઠળના થોડાક વરસાદ પડયા બાદ હાલમાં વરસાદ ખેંચાઇ જવાથી બાફના કારણે લોકો પરેશાન છે.

જો કે આજ સવારથી આકાશમાં કાળાં ડિબાંગ વાદળાંઓનું સામ્રાજ્ય થવાથી હવામાન ખુશનુમા થયું હતું. અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાથી ઠંડક પ્રસરી ગઇ હતી. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આગામી તા.ર૦ જૂન સુધી શહેરમાં વાદળછાયા વાતાવરણની લીધે હળવો વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં પણ આ સમયગાળામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે તેમ પણ હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે દરમ્યાન છેલ્લાં દશ વર્ષમાં જૂન માસ પહેલાં વરસાદ રેકર્ડની વિગત તપાસતાં ગત તા.રપ જૂન, ર૦૧પએ શહેરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. દશ વર્ષ જૂનો આ રેકર્ડ આજે પણ અંકબંધ છે.
http://sambhaavnews.com/

You might also like