કુશલ ટ્રેડલિંકના કૌભાંડનો પર્દાફાશ કરતાં સાપ છોડી મારી નાખવાની ધમકી

અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા સમભાવ મીડિયા લિમિટેડના સીએમડી અને તેમના પરિવારને જાનથી મારી નાખવા અંગેની ધમકી આપી તેમના બંગલામાં ઝેરી સાપ છોડી દેવામાં આવ્યો હતો. સમભાવ ગ્રૂપની વી ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા નવરંગપુરા વિસ્તારમાં આવેલી કુશલ ટ્રેડલિંક લિમિટેડ નામની શેરબજારમાં લિસ્ટેડ કંપની દ્વારા શેરના ભાવમાં ખોટી રીતે ઉતાર-ચઢાવ કરી નિર્દોષ રોકાણકારોને ગેરમાર્ગે દોરતા હોવાના કૌભાંડના પર્દાફાશ કર્યો હતો જેના પગલે વી ટીવી ન્યૂઝ ચેનલને ધમકીભર્યા ફોન આવવાના શરૂ થઇ ગયા હતા. વી ટીવી ન્યૂઝ ચેનલના સીઓઓ નીરજ અ‌િત્ર દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફ‌િરયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સીજી રોડ પર સંદીપ અગ્રવાલની માલિકીની કુશલ ટ્રેડલિંક લિમિટેડ નામની કંપની આવેલી છે, જે શેરના ભાવમાં ખોટી રીતે ઉતાર-ચઢાવ કરી રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે તેવી વ્યાપક ફરિયાદો વી ટીવી ન્યૂઝ ચેનલને મળી હતી. વી ટીવી દ્વારા કરાયેલી તપાસમાં તથ્ય જણાતાં વી ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા સમગ્ર કૌભાંડ અંગે ગુરુવારે બપોરે બાર વાગ્યે સ્ટોરી ચલાવવામાં આવી હતી. જેના પગલે વી ટીવી ન્યૂઝ ચેનલની ઓફિસના લેન્ડલાઇન નંબર અને મોબાઇલ ફોન પર સતત ધમકીભર્યા ફોન આવવા શરૂ થઇ ગયા હતા. ફોન કરનાર વ્યક્તિઓએ સ્ટોરી તરત જ બંધ કરીને ફરીથી સ્ટોરી નહીં ચલાવવા ધમકી આપી હતી. જો સ્ટોરી ચલાવશો તો ગંભીર પરિણામ ભોગવવાં પડશે તેવી ધમકીઓ પણ આપી હતી. કંપનીના ઇન્વેસ્ટરના નામે પણ ફોન આવ્યો હતો.

તે જ દિવસે સાંજે ૬-૩૦ વાગ્યે કંપનીના મોબાઇલ નં. ૯૮રપ૦૦પ૯૭પ ઉપર અને મોબાઇલ નં. ૯૯રપ૮રર૭૧૬ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો કે કંપનીના સીએમડીના બંગલામાં તેમજ તેમના પરિવારની ગાડીઓમાં ઝેરીલા સાપ છોડી દઇ પરિવારને જાનથી મારી નાખીશું. મેસેજમાં તાત્કા‌િલક દેશ છોડી દેવા અને પ૦ હજાર માણસોનું ટોળું તમારી ઓફિસે આવી રહ્યું છે તેવી પણ ધમકી આપી હતી.

ત્યારબાદ મોબાઇલ નં. ૯૦૯૯૯૧૦૧૩૩ ઉપર રાત્રે ૮-૦પ વાગ્યે એક વોઇસ નં. ૦૪૪ર૦૩૭૬૯૦૧૬પ પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો કે તમારા સીએમડીના બંગલામાં ઝેરીલા સાપ છોડી દીધા છે, જે સાપ તમારા સીએમડી અને તેમના પરિવારને ખતમ કરી નાખશે. તે પછી થોડીવારમાં સિક્યોરિટીને થોડીવારમાં સીએમડીના બંગલામાં સાપ દેખાયો હતો. આ અંગે વન વિભાગની હેલ્પલાઇનને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓએ સાપને પકડી લીધો હતો.

આ અંગે ક્રાઇમ બ્રાંચે હત્યાના પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવી અને મદદગારી અંગેનો ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીઅાઈ કે. જે. ચૌધરીઅે જણાવ્યું હતું કે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને સીડીઅાર અંગેની તપાસ ચાલુ છે.

માત્ર વેબસાઈટ પર ધમધમતી કંપનીઅો!
સી.જી. રોડ પર કુશલ હાઉસમાં કાર્યરત કુશલ ટ્રેડલિંકનો મૂળ ધંધો પેપરનો છે. આ કંપનીના ચેરમેન અને એમ.ડી. સંદિપ અગ્રવાલ છે. જ્યારે મનોજ અગ્રવાલ તથા કુશલ અગ્રવાલ એક્ઝિક્યુટીવ ડિરેકટર છે. કુશલ ટ્રેડલિંકની વેબસાઈટ પર કંપનીઅોની ભરમાર છે પરંતુ હકીકતમાં કંપનીઅો માત્ર વેબસાઈટ પર જ ધમધમે છે. હકીકતમાં અા કંપનીઅો કોઈ કામગીરી કરતી નથી. વર્ષ ર૦૦૦માં કંપનીએ અમદાવાદમાં પેપર યુનિટ શરૂ કર્યું હતું. ર૦૧૩માં કંપનીના પેપરના બે યુનિટ થયા હતા. વર્ષ ર૦૧૩માં જ કંપનીની માર્કેટ કેપ પપ કરોડની હતી, જે વર્ષ ર૦૧૬માં ૬પ૦૦ કરોડે પહોંચી ગઇ હતી. માત્ર ત્રણ વર્ષમાં જ કંપનીની માર્કેટ કેપ ૬૪પ૦ કરોડ જેટલી વધી ગઇ હતી.

વર્ષ ર૦૧૪ અને ર૦૧૬માં કુશલ ટ્રેડલિંકે વિદેશમાં કંપનીઓ શરૂ કરી કોમોડિટી અને શિપિંગનાં કામકાજ શરૂ કર્યાં. ઉપરાંત ઇલેક્ટ્રોનિકસ અને કાપડનો ધંધો પણ શરૂ કર્યો હતો. કંપનીએ મૂળ ધંધાની વિરુદ્ધમાં બિઝનેસ શરૂ કર્યો હતો. ટેક્સ હેવન દેશોમાં કંપની ખોલ્યા બાદ કંપનીના શેરમાં ઉછાળો આવ્યો હતો. કુશલ ટ્રેડિંગે રૂ.૭પ૦૦ કરોડનો ગોટાળો કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. વર્ષ ર૦૧૪માં સિંગાપોરમાં કુશલ ઇમ્પેકસ અને ર૦૧૬માં યુએઇમાં કશિશ વર્લ્ડ વાઇડ કંપની ઊભી કર્યા બાદ કૃત્રિમ તેજી આવી હતી. ટૂંક સમયમાં જ કુશલના શેરના ભાવમાં ૭૭૪૮ ટકા વૃદ્ધિ થઇ. છ મહિનાની કૃત્રિમ તેજીમાં કંપનીના માલિક સંદીપ અગ્રવાલ અને તેના મળતિયાઓએ કરોડો રૂપિયા કમાયા હોવાની સંભાવના છે અને સેંકડો રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે.

કુશલ ટ્રેડલિંકના શેરબજારમાં ખેલ
એપ્રિલ-ર૦૧૬માં શેરનો ભાવ રૂ.૧ર૯ હતો.
ઓગસ્ટ ર૦૧૬માં શેરનો ભાવ રૂ. ૧પ૯ થયો.
ડિસેમ્બર ર૦૧૬માં ઊછળીને રૂ.૩૭૦ થયો.
૩૧ ડિસેમ્બર, ર૦૧૬માં રૂ.પપ૦ ભાવ થયો.
જાન્યુઆરી-ર૦૧૭માં કુશલનો ભાવ રૂ.૬ર૦ સુધી પહોંચ્યો.
ફેબ્રુઆરીથી શેરના ભાવમાં પડતી શરૂ થઇ.
માર્ચમાં કંપનીના શેરનો ભાવ રૂ.૧૬૦ થયો.
જૂન-ર૦૧૭માં શેરનો ભાવ રૂ.ર૧૦ થયો.
કુશલ ટ્રેડિંગની ૭પ% કામગીરી વિદેશમાં થાય છે.
ર૦૧૬માં કંપનીએ ૩૦ થી ૬૦% ડિવિડન્ડ જાહેર કર્યું.
http://sambhaavnews.com/

http://sambhaavnews.com/

You might also like