આઈટી હાર્ડવેર પર ૨૮ ટકા જીએસટી લદાતાં મુશ્કેલીમાં

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે ઇન્ફર્મેશન ટેક્નોલોજી સંલગ્ન હાર્ડવેરની કેટલીક પ્રોડક્ટ પર ૨૮ ટકાના દરે જીએસટી લાદ્યો છે. હાર્ડવેર ઉદ્યોગના સંચાલકોએ પ્રિન્ટર અને મોનિટર જેવી ચીજવસ્તુઓ પર ૧૮ ટકાના દરે જીએસટીની ભલામણ કરી હતી. ઊંચા દરના કારણે આ પ્રોડક્ટ મોંઘી થવાનો ભય સેવાઇ રહ્યો છે.

મેન્યુફેક્ચરર્સ એસોસીએશન ફોર ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ સરકાર પાસે જીએસટી અંતર્ગત પ્રિન્ટર પર બે પ્રકારના ટેક્સ રેટ સંબંધે વધુ સ્પષ્ટતા માગી છે અને માગ કરવામાં આવી છે કે આઇટી હાર્ડવેરની પ્રોડક્ટ પર નીચલા દરે ૧૮ ટકા ટેક્સ લગાવવાની માગ કરવામાં આવી છે. ટેક્સનો આ દર હાલના દર કરતાં ખૂબ જ નજીક છે. હાલ મોનિટર અને પ્રોજેક્ટર પર ૧૮.૫ ટકાના દરે ટેક્સ લેવાય છે, જ્યારે જીએસટીમાં આવા મોનિટર અને પ્રોજેક્ટર ઉપર ૨૮ ટકાના દરે ટેક્સ લદાયો છે. પ્રસ્તાવિત દરથી આઇટી ઉત્પાદનો ગ્રાહકોને ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડશે.

આઇટી ડીલરના જણાવ્યા પ્રમાણે સરકાર એક બાજુ ‘ડિજિટલ ઇન્ડિયા’ના અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે તો બીજી બાજુ આઇટી હાર્ડવેરની કેટલીક પ્રોડક્ટ ઉપર ઊંચા દર નાખવાના કારણે આ અભિયાનને આગળ ધપાવવામાં અવરોધ ઊભો થઇ શકે છે.

સ્થાનિક આઇટી હાર્ડવેર સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે હજુય કેટલીક એવી ચીજવસ્તુઓમાં જીએસટીના દરમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે હવે એક મહિના કરતા પણ ઓછો સમયગાળો છે, જેના પગલે હાર્ડવેર ડીલર્સ કઇ રીતે નાણાં વ્યવહાર કરવો તે અંગે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like