રાજ્યમાં ૧૪ વ્યક્તિનાં માર્ગ અકસ્માતમાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતોના બનાવોમાં પિતા-પુત્ર, બે વેવાઇ સહિત ૧૪ વ્યકિતનાં મોત થયાં હતાં જ્યારે ૧રથી વધુ વ્યકિતઓને ઇજા પહોંચતાં તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પ્રભાસ પાટણના રહીશ ઇબ્રાહીમભાઇ ચૌહાણ તથા તેમનો યુવાન પુત્ર સૈજાદ બંને જણા બાઇક પર પ્રભાસ પાટણથી સૂત્રાપાડા જઇ રહ્યા હતા ત્યારે કદવાર ગામ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતાં બંનેનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયા હતા. દાહોદ હાઇવે પર દાણીલીમડા નજીક બે કાર વચ્ચે સર્જાયેેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના રમણીકભાઇ બુદ્ધદેવ અને તેમના વેવાઇ સૂર્યકાંત સેજપાલ તેમજ કારચાલક બટુકભાઇનાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયાં હતાં, જ્યારે ચાર જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ભૂજ-ભચાઉ હાઇવે પર નવા ગામના પા‌િટયા પાસે સામાજિક અગ્રણી અને સ્વામીનારાયણ સંપ્રદાયના મોભી વિશ્રામબાપાની કાર અને રાજસ્થાનની ટ્રક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતાં વિશ્રામબાપાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાર કુટુંબીજનોને ઇજા પહોંચી હતી. ડીસા હાઇવે પર સરસ્વતી નદીના પુલ પાસે રોડ ક્રોસ કરી રહેલ દિનેશ ચમાર નામનો યુવાન એસટી બસની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. આ ઉપરાંત અંબાજી-દાંતા માર્ગ પર પાંસા ગામના પા‌િટયા પાસે ઇન્ડિકા કાર ઝાડ સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં પાલનપુરના વેપારી નરેશભાઇ અમૃતભાઇ પટેલનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણને ઇજા પહોંચી હતી.

ભાવનગરના ઘોઘા રોડ અને વરતેજ પાસે થયેલા બે અકસ્માતમાં વત્સલ કલ્પેશ જોશી તથા સંજય યાદવ નામના બે યુવાનના મોત થયા હતા તેમજ મહેસાણાના રણછોડનગર નજીક બાઇક ‌િસ્લપ થઇ જતાં મહેશ રાજપૂતનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેની પત્નીને ઇજા પહોંચી હતી. રાજપીપળાના નાંદોદ નજીક ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યકિતના મોત થયા હતા. જયારે ચારને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

You might also like