દારૂની મહેફિલ માણતાં 14 નબીરાઓ ઝડપાયાઃ દારૂની બોટલો કબજે કરાઇ

અમદાવાદ: પાવાગઢના જંગલમાં દારૂની મહેફીલ માણતા વડોદરાના ૧૪ નબીરાને પોલીસે દારૂની બોટલો સાથે પીધેલી હાલતમાં ઝડપી લઇ આ અંગે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢ નજીક ભાટ ગામ પાસે એક હોટલની સામે આવેલ જંગલમાં ફોર વ્હીલ સાથે કેટલાક શખસો ઘૂસ્યા હોવાની બાતમી મળતા પાવાગઢ પોલીસે જંગલમાં જઇ દરોડો પાડતા દારૂ પીધેલા નબીરાઓએ પોલીસથી બચવા ભારે નાસભાગ કરી હતી. પરંતુ પોલીસે કોર્ડન કરી લઇ વડોદરાના રહીશ ૧૪ નબીરાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની અને બિયરની બોટલો કબજે કરી હતી. આ નબીરાઓ વડોદરાના માલેતુજાર હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે. પાવાગઢની આજુબાજુની હોટલોમાં પણ દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે હોટલો પર પણ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે.

You might also like