માર્ગ અકસ્માતમાં ચારનાં કમકમાટીભર્યાં મોત, ૧૪ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા માર્ગ અકસ્માતોમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ૧૪ જેટલી વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે અકસ્માતના ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે બગોદરા-લિંબડી હાઈવે પર મુસાફર ભરેલો છકડો પલટી ખાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયા હતા જ્યારે દસ જણાને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને લિંબડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે થાન પેટ્રોલપંપ પાસે કારે બાઈકને અડફેટે લેતાં બાઈકસવાર દિલીપ મનુભાઈ નામના યુવાનનું મોત થયું હતું. આ ઉપરાંત રાજકોટમાં મારવાડી કોલેજ નજીક સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોરબીના યુવાન મનીષ કાનાબારનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેમનાં પત્ની પ્રી‌તિબહેન અને બે પુત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે મારવાડી કોલેજ પાસે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જોકે સ્કૂલબસનો ચાલક બસ છોડી નાસી છૂટ્યો હતો.

You might also like