ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાર ચઢી ગઈ બે વ્યક્તિનાં મોત, ત્રણની હાલત ગંભીર

અમદાવાદ: અાણંદ-વાસદ રોડ પર અડાસ પાસે બેફામ ઝડપે અાવેલી કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ચઢી જતાં સર્જાયેલા અા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ત્રણની સ્થિતિ હાલ નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાસદથી અાણંદ અાવતા રસ્તા પર અડાસ નજીક અાવેલા પેટ્રોલપંપ પાસે અાવેલી ફૂટપાથ પર મોડી રાતે લોકો ભરઊંઘમાં હતા ત્યારે વાસદથી અાણંદ તરફ અાવી રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ચઢી ગઈ હતી. એકાએક બનેલી ઘટનાથી ડઘાઈ ગયેલા લોકોએ ભયના કારણે ભારે નાસભાગ કરી મૂકી હતી, પરંતુ કાર નીચે કચડાઈ જવાથી અડાસ ગામના ગિરિશભાઈ પટેલ અને નીલેશભાઈ પરમારનાં ગંભીર ઈજા થવાને કારણે મોત થયાં હતાં જ્યારે રમેશ જોષી, કમલેશભાઈ અને મહેન્દ્રસિંહ નામની વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કારચાલક કારને છોડીને નાસી છૂટ્યો હતો. કારચાલક નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે અડાસ પેટ્રોલપંપ પાસે લોકોનાં ટોળેટોળાં ભેગાં થયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like