આંબાવાડીની ESIC કોલોનીના બંધ મકાનમાં ૩ લાખની ચોરી

અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ટેકરા નજીક ESIC કોલોનીમાં રહેતો પરિવાર જે દિવસે વતનમાં ગયો તે જ દિવસે રાત્રે તસ્કરોએ ઘરમાં ત્રાટકી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.૩ લાખની ચોરી કરી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આંબાવાડીના શ્રેયસ ટેકરા પાસે આવેલી ESIC કોલોનીમાં પબાભાઈ આહીર (ઉ.વ.૪૫) રહે છે. પબાભાઈ બાપુનગર જનરલ હોસ્પિટલમાં નર્સિંગ આ‌િસસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ૨૫મીએ વહેલી સવારે તેઓ પરિવાર સાથે તેમના વતન લાંબાબંદર, દ્વારકા ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાનમાં રાત્રે નવેક વાગ્યે પાડોશી મનોજભાઈએ તેઓને ફોન કરી મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. પબાભાઈએ મનોજભાઈને ઘરમાં તપાસ કરવાનું કહેતાં ઘરમાં તિજોરી ખુલ્લી હોવાનું જાણવા મળ્યું હતું. પબાભાઈએ અમદાવાદ આવી ઘરમાં તપાસ કરતાં તિજોરીમાં રહેલા ત્રણેક જેટલાં ડ્રોઅરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રૂ.૫૦૦૦ રોકડા મળી કુલ રૂ.૩.૦૫ લાખની મતાની કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like