દેશનાં ત્રીજા ભાગનાં ATM બંધ હાલતમાં : રિઝર્વ બેંક

નવી દિલ્હી : દેશમાં લગાવાયેલા એક તૃતિયાંશ એટીએમ માત્ર શોભાનાં ગાઠીયા જેવા છે. રિઝર્વબેંકે પોતે જ સ્વિકાર્યું છેકે દેશનાં ત્રીજા ભાગનાં કેશ મશીન કામ નથી કરતા. સરકાર સામે આ એક મોટો પડકાર છે કારણ કે તે ગ્રામીણ વિસ્તામાં બેંકની ઉત્કૃષ્ટ સેવા પહોંચાડવા માંગે છે. દેશની કેન્દ્રીય બેંકનાં ડેપ્યુટી ગવર્નર એસ. એસ મુન્દ્રાએ જણાવ્યું કે આરબીઆઇએ દેશભરનાં લગભગ 4000 એટીએમનો સર્વે કર્યો. તેમાં અલગ અલગ પ્રકારની બેંકો અને અલગ અલગ વિસ્તારને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સર્વેનાં પરિણામો બિલ્કુલ સુખદ નથી.

અધિકારીઓનાં અનુસાર જે તે સ્થળ પર ત્રીજા ભાગનાં એટીએમ બંધ હાલતમાં મળી આવ્યા. તેમણે કહ્યું કે એટીએમમાં દિવ્યાંગ લોકોનાં માટે પણ કોઇ ખાસ સુવિધા નથી. મુંદ્રાએ કહ્યુ કે દિવ્યાંગ લોકોને ધ્યાનમાં રાખીને એટીએમની સ્ક્રીન શું દેખાડે છે અને શું સુવિધાઓ આપવાની છે તે મુદ્દે પણ રેગ્યુલેટરી ઇન્સ્ટ્રક્શનની તપાસ કરવામાં આવી. આ અંગે જરૂરી સુપરવાઇઝરી એક્શન લેવામાં આવશે. અને જે તે બેંક સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાઇમ મિનિસ્ટર મોદી દેશનાં દુર અને આંતરિયાળ વિસ્તારમાં રહેનારા ગ્રામ્ય ગરીબોને બેંકિગ સિસ્ટમ સાથે જોડવા અંગે મથી રહ્યા છે. તેનાં માટે તેમણે જન ધન યોજના પણ ચલાવી છે. એવામાં એટીએમનાં મુદ્દે હાલનાં સર્વેનાં પરિણામો ઘણા ચોંકાવનારા અને ચિંતાજનક છે. વર્લ્ડ બેંકનું અનુમાન છે કે 53 ટકા ભારતીયોની પાસે હવે બેંક એકાઉન્ટ છે. જો કે ઘણા ગ્રામ્ય લોકોનાં એટીએમ અંગેનાં અનુભવો ઘણા કડવા રહ્યા છે. કારણ કે આ મશીન મોટે ભાગે બંધ હાલતમાં જ હોય છે.

You might also like