કેલિફોર્નિયામાં કાદવ-કીચડથી ૧૩નાં મોતઃ ઠેરઠેર ભૂસ્ખલન

વોશિંગ્ટન, બુધવાર
કોલિફોર્નિયામાં ભારે વરસાદ અને આગના કારણે અફરાતફરી મચી ગઈ છે ત્યારે દક્ષિણ કોલિફોર્નિયામાં ભારે વરસાદ બાદ ફેલાયેલા કીચડ તેમજ ભૂસ્ખલનના કારણે ૧૩ લોકોનાં મોત થયાં છે. આ વિસ્તારમાં થોડા સમય પહેલાં જ આગની ઘટનાના કારણે ભારે તારાજી સર્જાઈ હતી ત્યારે હવે ફરી ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લગભગ ૧૩ લોકોનાં મોત નીપજ્યાં છે. તેથી તંત્ર દ્વારા હાલ રાહત-બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર કોલિફોર્નિયામાં ભારે વરસાદ બાદ ફેલાયેલા કીચડના કારણે ૪૮ કિલોમીટરનો રાજમાર્ગ બંધ કરવાની ફરજ પડી હતી અને રોડ પર ધસી આવેલા પથ્થરના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો, જ્યારે ૨૫ લોકોને ઈજા થઈ હતી, જોકે આ દરમિયાન આ વિસ્તારમાં ફસાયેલા ૫૦થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

લોસ એેન્જલસના બીબીસીના પત્રકાર જેમ્સ કૂકના જણાવ્યા અનુસાર નાની કારના આકારના પથ્થર પહાડ પરથી સરકીને રોડ પર આવી જતાં રસ્તો બંધ થઈ ગયો હતો, જેમાં એક ૧૪ વર્ષની બાળકીને બચાવી લેવામાં આવી હતી. દરમિયાન ફેડરલ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીની ચેતવણી મુજબ કેલિફોર્નિયાના જે વિસ્તારમાં ક્યારેય પૂર આવ્યું નથી ત્યાં પણ પૂરનો ખતરો જણાઈ રહ્યો છે. તેથી આ વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ અપાતાં લગભગ ૩૦ હજાર લોકોને અસર થઈ છે.

દરમિયાન સાંતા બાર્બરા કાઉન્ટીના ફાયર બ્રિગેડ વિભાગના એન્ડરસને જણાવ્યું કે કાઉન્ટી તથા ઉત્તર લોસ એન્જલસમાં ભારે વરસાદના કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. આ ‍વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાથી કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. તેથી હાલ તે અંગે રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે.

ભૂસ્ખલનથી કેટલાંક મકાનો પણ પડી ગયાં છે અને તેના કારણે ભારે અફરાતફરીનો માહોલ ઊભો થયો છે. કેટલાક લોકો લાપતા પણ થઈ ગયાના અહેવાલ છે ત્યારે હાલ જવાબદાર અધિકારીઓ આ અંગે તપાસ ચલાવી રહ્યા છે. કોલિફોર્નિયામાં ભારે વરસાદ અને આગના કારણે આવી ઘટના બની છે અને તેમાં કુલ ૧૩ લોકોનાં મોત થયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયામાં થોડા દિવસ અગાઉ આગની ઘટના બની હતી અને હવે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક જગ્યાએ જાનહાનિના અહેવાલ મળી રહ્યા છે. હાલ કાટમાળ નીચે કેટલા લોકો દબાયેલા છે તે અંગે તપાસ ચાલી રહી છે.

You might also like