ગાઝિયાબાદની ફેક્ટરીમાં આગ લાગતાં ૧૩ કામદાર જીવતા ભડથું

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના સાહિબાબાદ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક જેકેટ ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગતાં ૧૩ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા અને ૧૪થી વધુ કામદારો ઘાયલ થયા હતા. ભીષણ આગ ફાટી નીકળવાના સમાચાર મળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હોત અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગ હજુ કાબુમાં આવી નથી અને ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.

આજે સવારે સાહિબાબાદના શહીદનગરના જયપાલ ચોક ખાતે આવેલી ત્રણ માળની જેકેટ બનાવતી એક ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારો તેની લપેટમાં આવી જતાં જીવતા ભડથું થઈ ગયા હતા. તેમને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો.

આગની ઘટનાની જાણ થતાં એસએસપી અને એસપી સિટી સ્થળ પર પહોંચી ગયા હતા. આ ફેક્ટરીમાં જેકેટની સિલાઈનું કામકાજ થાય છે. અહીં કામ કરનારા મોટા ભાગના કામદારો બુલંદશહેર અને બરેલીના છે. આગ લાગી ત્યારે ફેક્ટરીનં કામકાજ ચાલુ હતું. અહીં ડે-નાઈટ શિફ્ટમાં કામ ચાલે છે.

એસ.એસ.પી. દીપકકુમારે જણાવ્યું હતું કે રિઝવાન નામના શખસની આ ફેક્ટરી છે. આગ લાગવાના કારણ અંગે તપાસ ચાલી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફેક્ટરીના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગ વહેલી સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગમાં દાઝી જવાના કારણે ઘાયલ થયેલા કામદારોને નજીકની જીટીબી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

You might also like