ફ્રાંસને વિશ્વ વિજેતા બનાવવામાં ૧૩ દેશનો ‘હાથ’

પેરિસઃ ૧૩ દેશ સાથે સંબંધ ધરાવતા ૧૭ ખેલાડી અને લક્ષ્ય ફ્રાંસને વિશ્વકપ ખિતાબ અપાવવાનું. વિશ્વકપ વિજેતા ફ્રાંસની ટીમમાં હાજર બધા ખેલાડીઓનાે સંબંધ અન્ય દેશ સાથે છે. આમાંથી ઘણાના પરિવાર કાં તો શરણાર્થી તરીકે ફ્રાંસમાં આવ્યા હતા તો ઘણા પ્રવાસી તરીકે ફ્રાંસમાં આવ્યા, પરંતુ આ બધાંએ મળીને આ દેશને ફરીથી વિશ્વ ચેમ્પિયન બનાવી દીધો.

એમબાપેઃ વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડીનો પુરસ્કાર જીતનારા એમબાપેનો જન્મ પેરિસમાં ૨૦ ડિસેમ્બર, ૧૯૯૮ના રોજ થયો હતો. એમબાપેના પિતા વિલ્ફ્રેડ એમબાપે કેમરૂનના છે, જ્યારે તેની મા ફૈઝા લામારી અ‌‌િલ્જરિયાની છે. આ સ્થિતિમાં એમબાપે પાસે ત્રણ દેશનું નાગરિકત્વ છે.

એન્ટોની ગ્રીઝમેનઃ આ ખેલાડી મૂળ જર્મનીનો છે. તેના પિતા એલિયન જર્મનીના છે અને તે ફ્રાંસમાં આવીને વસી ગયા, જ્યારે તેની માતા ઇઝાબેલ પોર્ટુગલની છે. ઇઝાબેલના પિતા અમારો લોપ્સ ફૂટબોલર હતા અને તેઓ ૧૯૫૭માં ફ્રાંસમાં આવીને વસી ગયા હતા, જ્યાં ઇઝાબેલનો જન્મ થયો હતો. ૧૯૯૨માં ગ્રીઝમેનના નાનાનું મૃત્યુ થયું હતું.

પોલ પોગ્બાઃ ક્રોએશિયા સામેના ફાઇનલ મુકાબલામાં ફ્રાંસની જીતમાં પોલ પોગ્બાનો પણ હાથ રહ્યો હતો. પોગ્બા મૂળ આફ્રિકન દેશ ગિનીનો છે. પોગ્બાનો જન્મ જરૂર ફ્રાંસમાં થયો છે, પરંતુ તેનાં માતાપિતા ગિનીથી આવીને ફ્રાંસમાં વસ્યાં હતાં. પોગ્બાના બે જોડિયા ભાઈઓ ફ્લોરેન્ટિન અને માથિયારાનો જન્મ ગિનીમાં જ થયો હતો. બંને ભાઈ પણ ફૂટબોલર છે અને તેઓ ગિનીની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના સભ્ય છે. પોગ્બા પાસે ફ્રાંસ અને ગિની બંને દેશનું નાગરિકત્વ છે.

ઓલિવિયર ગિરુઃ સ્ટ્રાઇકર ઓલિવિયર ગિરુનો ઇટાલી સાથે ખાસ સંબંધ છે, કારણ કે તેનાં નાની અને દાદી બંને ઇટાલીનાં છે.

કોરેન્ટિન ટોલિસોઃ મિડફિલ્ડર ટોલિસોનો સંબંધ પશ્ચિમ આફ્રિકન દેશ ટોગો સાથે છે. ટોલિસોનો જન્મ જરૂર ફ્રાંસમાં થયો, પરંતુ તેનાં માતાપિતા ટોગોના છે અને તેઓ ફ્રાંસમાં આવીને વસી ગયાં હતાં. ટોલિસો જર્મન ક્લબ બાયર્ન મ્યુનિચ તરફથી પણ રમે છે. ઘણી વાર ટોગો તરફથી રમવાને કારણે તે સમાચારોમાં પણ ઝળક્યો હતો, પરંતુ જૂન-૨૦૧૭માં તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે તે ફ્રાંસમાં જન્મ્યો છે અને ફ્રાંસ તરફથી જ રમશે. ટોલિસો પાસે પણ ફ્રાંસ અને ટોગોનું નાગરિકત્વ છે.

હ્યુગો લોરિસઃ ૨૬ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ જન્મેલા કેપ્ટન-ગોલકીપર લોરિસનો સ્પેન સાથે ખાસ સંબંધ છે. લોરિસના પિતા મૂળ સ્પેનના હતા અને મોન્ટે કાર્લોની એક બેન્કમાં કાર્યરત હતા. લોરિસ જ્યારે ૨૦૦૮માં નાઇટ ક્લબ તરફથી રમી રહ્યો હતો ત્યારે તેની માતા મૃત્યુ પામી એ સમયે કોચ ફ્રેડરિક એન્ટોનેટીએ તેને રજા લેવાનું કહ્યું હતું, પરંતુ લોરિસે રજા લેવાનો ઇનકાર કરી દીધો હતો.

બેન્જામિન મેન્ડીઃ બેન્જામિન આફ્રિકન દેશ સેનેગલથી આવીને ફ્રાંસમાં વસ્યા હતા. મેન્ડી પાસે બંને દેશનું નાગરિકત્વ છે. મેન્ડી ભારતમાં ઇન્ડિયન સુપર લીગમાં પણ રમી ચૂક્યો છે. મેન્ડી પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર સિટી તરફથી રમે છે.

નબીલ ફેકીરઃ આક્રમક ડિફેન્ડરનો પૈતૃક દેશ અલ્જિરિયા છે. ફેકીર ત્યારે સમાચારોમાં ઝળક્યો હતો, જ્યારે માર્ચ-૨૦૧૫માં તેને ફ્રાંસની ટીમ તરફથી રમવાનો ઇનકાર કરીને અલ્જિરિયાની ટીમ તરફથી રમવાનો નિર્ણય કર્યો હતો. અલ્જિરિયાએ એ સમયે ઓમાન અને કતાર સામે બે મેચ રમવાની હતી, જ્યારે ફ્રાંસને બ્રાઝિલ અને ડેન્માર્ક સામે રમવાનું હતું.

સ્ટીવન જોન્ઝીઃ મિડફિલ્ડર જોન્ઝીના પિતા આફ્રિકન દેશ કોંગોના છે, જ્યારે તેની માતા ફ્રાંસની હતી. જોન્ઝી સ્પેનની સેવિલા ક્લબનો મહત્ત્વપૂર્ણ હિસ્સો પણ છે.

આદિલ રામીઃ આદિલનો જન્મ ફ્રાંસના પ્રાંત કોર્સિકાના બસ્તિયા શહેરમાં એક મોરેક્કન પરિવારમાં થયો છે. રામીની યુવા અવસ્થામાં તેનો પરિવાર ફ્રેજસ આવીને વસી ગયો હતો, જ્યાં તેની માતા સિટી કાઉન્સિલની સભ્યના રૂપમાં કામ કરતી હતી.

સેમ્યુઅલ ઉમ્તિતીઃ બેલ્જિયમ સામેના સેમિફાઇનલ મુકાબલામાં ગોલ કરનારા સેમ્યુઅલ ઉમ્તિતીનો જન્મ કેમરૂનમાં થયો હતો. જ્યારે તે બે વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ફ્રાંસના લિયોનમાં આવીને વસી ગયો હતો. થોડા મહિના બાદ પરિવાર મેનિવલ નેબરહૂડમાં આવીને વસ્યો ત્યારે ઉમ્તિતીએ પાંચ વર્ષની ઉંમરે લોકલ ક્લબ મેનિવલ એફસીમાં એડમિશન લીધું હતું. નવ વર્ષની ઉંમરે તેણે લિયેન એકેડેમીમાં એડમિશન લીધું હતું.

કિમપેમ્બેઃ કિમપેમ્બેના પિતા કોંગોના, જ્યારે તેની માતા હૈતીની છે. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૪માં કિમપેમ્બેએ પોતાની પ્રોફેશનલ કરિયર શરૂ કરી. કિમપેમ્બેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન એ જ વર્ષે વિશ્વકપ ક્વોલિફાયર દરમિયાન મળ્યું.

સ્ટીવ મન્ડાન્ડાઃ ટીમના બીજા ગોલકીપર મન્ડાન્ડાનો જન્મ ૨૮ માર્ચ, ૧૯૮૫ના રોજ કોંગોના સૌથી મોટા શહેર કિશાસામાં થયો હતો. જ્યારે તે બે વર્ષનો હતો ત્યારે તે ફ્રાંસ આવી ગયો. નવ વર્ષની ઉંમરે એએલએમ એવરિયુક્સમાં એન્ટ્રી લેતાં પહેલાં તે બોક્સિંગ કરતો હતો.

નગોલો કાન્ટેઃ મિડફિલ્ડર નગોલો કાન્ટોને પરિવાર ૧૯૮૦માં માલીથી ફ્રાંસમાં આવીને વસ્યો હતો. દિલચસ્પ વાત તો એ છે કે જ્યારે કાન્ટે ફ્રાંસની કોઈ પણ ટીમમાં નહોતો રમી રહ્યો ત્યારે માલીએ તેને ૨૦૧૫ના આફ્રિકન કપ ઓફ નેશન્સમાં તેમની ટીમ તરફથી રમવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ કાન્ટેએ ઇનકાર કરી દીધો. જાન્યુઆરી-૨૦૧૬માં ફરી કાન્ટેને આમંત્રણ મળ્યું, જોકે ૧૭ માર્ચ ૨૦૧૬ના રોજ તેને ફ્રાંસની ટીમ તરફથી રમવાની તક મળી ગઈ.

ઉસ્માન ડેમ્બલેઃ ઉસ્માન ડેમ્બલેની ટીમનો સ્ટ્રાઇકર છે. ખાસ વાત એ છે કે ઉસ્માન પાસે ત્રણ દેશનું નાગરિકત્વ છે. ઉસ્માનની માતા સેનેગલની છે, જ્યારે તેના પિતા માલીના છે. ઉસ્માનનો જન્મ ૧૫ મે, ૧૯૯૭ના રોજ ફ્રાંસના વર્નોનમાં થયો હતો.

બ્લેઝ મતોદીઃ ફ્રાંસના મિડફિલ્ડર બ્લેઝ મતોદીના પિતા ફરિયો રિવેલિનો અંગોલાના છે, જ્યારે તેની માતા કોંગોની. મતોદીને નાની ઉંમરે જ ફ્રાંસનું નાગરિકત્વ મળી ગયું હતું.

સિદિબેઃ સિદિબે ફ્રાંસની ટીમમાં એક ડિફેન્ડરની ભૂમિકા નિભાવે છે. સિદિબેનો જન્મ ૨૯ જુલાઈ, ૧૯૯૨ના રોજ થયો હતો. સિદિબનો સંબંધ માલી સાથે છે, કારણ કે તેના પિતા મૂળ માલીના હતા.

You might also like