કિંગ‌િફશરના વિજય માલ્યા વિદેશ ફરાર?: બેન્કો મોડી પડી

નવી દિલ્હીઃ કરોડોના દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અને કિંગફિશર એરલાઈન્સના પૂર્વ અધ્યક્ષ વિજય માલ્યાને દેશ છોડવા અંગે પ્રતિબંધ લગાવવાની માગણી કરતાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત 13 બેન્કોએ ગઈ કાલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા હતા, પરંતુ એવી માહિતી મળી રહી છે કે માલ્યા થોડા દિવસો પહેલાં જ વિદેશ ચાલ્યા ગયા હોવાની આશંકા વ્યકત થઈ રહી છે. તે જોતાં બેન્કોએ સુપ્રીમમાં જવામાં વિલંબ કર્યો હોય તેમ લાગે છે.

આ પહેલાં બેન્કોએ કોર્ટમાં અરજી કરી હતી કે વિજય માલ્યા પર બેન્કોનું 9000 કરોડનું દેવું હોવાથી તેને વિદેશ જવા દેવા સામે પ્રતિબંધ લગાવવામાં આવે. બેન્કો તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગી કેસ લડી રહ્યા છે. તેથી કહી શકાય કે સરકાર માલ્યા વિરુદ્ધના કેસમાં બેન્કોની સાથે છે.

આ અગાઉ વિજય માલ્યાએ ગત મહિને યુનાઈટેડ ‌િસ્પ‌િરટ્સના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ માલ્યાએ જણાવ્યું હતું કે તેઓ હવે બ્રિટન જવા માગે છે. ત્યારબાદ બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો.

માલ્યાની પ્રવકતાએ જણાવ્યું કે તેને પણ માલ્યા હાલ ક્યાં છે તેની જાણકારી નથી. તે માત્ર મેઈલ દ્વારા તેમના સંપર્કમાં છે. યુનાઈટેડ ‌િસ્પ‌િરટ્સના ચેરમેનપદેથી રાજીનામું આપવાના અવેજમાં બ્રિટનની કંપની ડીઆ‌જિયો માલ્યાને 515 કરોડ રૂપિયા આપશે. યુનાઈટેડ ‌િસ્પ‌િરટ્સ કંપનીની સ્થાપના તેમના પરિવારે કરી હતી, પરંતુ હવે તેના પર દારૂની વૈશ્વિક કંપની ડીઆ‌જિયોનું નિયંત્રણ છે. ડીઆરટીએ માલ્યાને ડિયોજિયોને મળનારી 515 કરોડની રકમ નહિ ખર્ચવા આદેશ કર્યો હતો. ત્યારબાદ બેન્કોએ ડીઆરટી સમક્ષ માલ્યાના પાસપોર્ટને ફ્રીઝ કરવા અરજી કરી હતી.

વિજય માલ્યાને વિદેશ જતા અટકાવવા 13 જેટલી સરકારી બેન્કોએ ગઈ કાલે સુપ્રીમમાં પિટીશન કરી હતી, જેની આજે સુનાવણી થશે. એક અહેવાલ મુજબ માલ્યા હાલ તેના સ્ટાફના સંપર્કમાં પણ નથી. ગઈ કાલે સરકારી બેન્કો તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં માલ્યાના કેસમાં તુરત જ સુનાવણી કરવા અપીલ કરી હતી. જેનો કોર્ટની બેન્ચે સ્વીકાર કરી લીધો હતો. બેન્કોને માલ્યાની સાડા ત્રણ વર્ષથી બંધ પડેલી કિંગફિશર એરલાઈન્સ પાસેથી લગભગ 7,800 કરોડ વસૂલવાના બાકી છે, તેમાં એસબીઆઈના 1600 કરોડ રૂપિયા બાકી છે. કિંગ‌િફશર અથવા માલ્યાએ 2012થી આ બાકી રકમ પર વ્યાજ નથી ચૂકવ્યું કે મૂડીની રકમ પણ આપી નથી.

દરમિયાન કંપની બાબતના મંત્રાલય હેઠળ કામ કરતા ‌િસ‌િરયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશનઓફિસ (એસએફઆઈઓ)એ પણ માલ્યા અને કિંગફિશરની તપાસ શરૂ કરી દીધી છે.  કંપની બાબતોના પ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે એસએફઆઈઓને કિંગ‌િફશર ઉપરાંત પર્લ ગ્રૂપની કંપનીઓ પીએસીએલ અને પીજીએફ તથા શારદા જૂથની તપાસ કરવા જણાવવામાં આવ્યું છે.

You might also like