ઉધમપુર નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માતમાં 13 અમરનાથ યાત્રીઓ ઘાયલઃ ત્રણ ગંભીર

શ્રીનગર: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ઊભેલી એક ટ્રક સાથે એક મિની બસ ટકરાઇ જવાથી ૧૩ અમરનાથ યાત્રીઓ ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલા આ કાફલામાં કુલ ૩,૪૧૯ અમરનાથ યાત્રીઓના નવા જથ્થાનો સમાવેશ થતો હતો, જેમાં ૬૮૦ મહિલાઓ અને ર૦૧ સાધુઓ પણ હતા.

આ અકસ્માત આજે વહેલા પરોઢિયે પ-૩૦ કલાકે ૭૦ કિલોમીટર દૂર ઉધમપુર જિલ્લાના મલાર્ડ વિસ્તારમાં ઘેરમા પુલ નજીક થયો હતો. મિની બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં હાઇવે પર ઊભેલી ટ્રક સાથે ટકરાઇ જવાના કારણે અકસ્માત થયો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલ શ્રદ્ધાળુઓમાં ત્રણની હાલત ગંભીર છે અને તેમને જમ્મુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોમાં ૧૦ યાત્રીઓ ઉત્તર પ્રદેશના ઝાંસીના રહેવાસી છે અને બાકીના ત્રણ યાત્રીઓ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પરથી પસાર થતાં વાહનો માટે ખલનાયક સાબિત થયો છે. સવારથી બપોર સુધી વિવિધ સ્થળોએ ભૂસ્ખલન થવાના કારણે હાઇવે પર વારંવાર અવરોધ ઊભો થયા કરે છે.

વરસાદના કારણે પંતીહાલ, સેરી, ડિગડોલ, ઘોડીનાલા, શાન પેલેસ સહિતના વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનનેા કારણે હાલ હાઇવે પર ધસી પડેલ જમીનનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે.
હાઇવે પર એક જગ્યાએ એક ટ્રક પણ ફસાઇ ગઇ હતી, જોકે ટ્રકચાલકને સુર‌િક્ષત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

You might also like