ગરોળી

વાદળથી છવાયેલી કાળ, ઘેરી ઘેઘૂર રાતમાં ક્યાંક ક્યાંક વીજળી તિરાડ પાડતી હતી અને અંજાયેલી આંખોના અજવાળામાં અંધારું ટપકું બનીને આવતું અને વિસ્તરી જતું. ગર્જનાઓ શાની છે? વરસાદની છડી પોકારે છે કે, ગાજ્યા મેઘ વરસે નહીં, સાબિત કરે છે એ વિશે કોઈ વિચારે ત્યાં તો ત્રાડો પાડતા સાવજના ઝુંડ જેવો વરસાદ ધસી આવ્યો. જાણે ધરતીને વહાવીને લઈ જવી હોય તેમ સાંબેલા ધાર કોને કહેવાય એ સમજાવતો. કોણ જાણે પૃથ્વીના ખાંડણીમાં શું ય હશે તો જોશભેર પડતો. બે ધાર વચ્ચેથી કીડીય ન જઈ શકે તેવો જાડો પદડા જળનો. પળવારમાં તો ચારેકોર પાણી પાણી થઈ ગયું.
અગાશી પર નાખેલાં કપડાં સંકેલીને દોડતી-દોડતી આકૃતિ નીચે આવી ને કપડાંના ઢગ પાસે બેસી પડી. એક પછી એક ગડી વાળવા લાગી. અગાશીમાં આકાશના પલટાતા રંગો જોતા જોતા ખીલેલાં સપનાં સમેટતી હોય તેમ. અઢારની ઉંમરનો ઉંબરોને પાછું નખશિખ આછા ગુલાબી, મૃદુ મીણમાંથી કોતરેલું હોય તેવું રૂપ… આવડત ને આત્મા બેયનો સમન્વય હતો આકૃતિમાં. ને એ જ નજાકતથી જોતી એ જિંદગીનાં સપનાં.
ત્યાં અચાનક કપડાંમાં ક્યાંકથી ગરોળી લપાઈ હશે તે આકૃતિના પગ પર સરકી. ઠંડો, લીસ્સો, સહેજ ચીકણો સ્પર્શ. હજુ તો આકૃતિ કંઈક સમજે તે પહેલાં જ એની નજર એના પગર પર ચઢતી ગરોળી ઉપર પડીને એ ચીસ પાડતી ઊભી થઈ ગઈ. પગ ઠમઠોર્યો ને ગરોળી પડી. ચીસો પાડતી આકૃતિ સીધી બાથરૂમમાં ભરાઈ, આખી બાલદી ભરીને એમાં પગ બોળી ઊભી રહી ગઈ. પગ ઘસીને સાબુથી ધોયો. એનો ઊજળો રંગ લાલ થઈ ગયો. બળતરા થવા લાગી.આકૃતિને ગરોળીનો ખૂબ જ અણગમો. સાવ છેટે, દીવાલ પર સરકતી હોય તોય ડરે. વંદાનો ય એવો જ ડર. જુગુપ્સા એવી તો પ્રબળ કે ચીસો પાડીને ઘર આખું ભેગું કરે. દોડાવે સૌને.
ને બધા દોડેય ખરા. લગભગ પંદર સત્ત્।ર માણસના સંયુક્ત કુટુંબમાં આકૃતિ સૌથી નાની એટલે જ બધાની લાડકી. એટલે જ બધા શું થયું? શું થયું? કરતા આકૃતિના ઓરડે દોડી આવ્યા. બે માળની હવેલીમાં આકૃતિનો ઓરડો વરંડાની સામે વચ્ચોવચ. બધા ભેગા થઈ એકબીજાને પૂછવા લાગ્યા ‘કેમ ચીસ પાડી આકૃતિએ?’
આકૃતિએ ગરોળી બોલી પગ બતાવ્યો. બધા હસવા લાગ્યા. ચીડવવા લાગ્યા. બેનબા, કાલ ઊઠીને સાસરે જવા જેવા થયા છો. હવે રસોઈ કરતાં રસોડામાં ગરોળી દેખાઈ તો તો પત્યું. દાળ શાકમાં ને શાક ભાતમાં. સાસરિયાં શું કહેશે?
તે આપણે ગરોળીવાળું સાસરું શોધવું જ શું કામ? એય ને મોટો ચોખ્ખો ચણાક બંગલો ન ગોતીએ? જ્યાં બધા ઓરડાને ઠંડાગાર કરવા એસી લગાવ્યા હોય. બધું બંધ. ચપોચપ બંધ થાય એવા બારી બારણાં હોય.

સાફસૂફી કરવા નોકર પલટન હોય. આપણે તો કશું કામ કરવું જ નથી ને… રાણીની જેમ રહેવું છે. આપણા માટે તો એવું જ સાસરું શોધજો ભાઈ. કહી દઉં છું કહેતી આકૃતિ મોટાભાઈની સોડમાં લપાઈ ને ભાઈ પણ પોરસાઈને કહેવા લાગ્યો, ‘શું કામ નહીં? મારી બેના છે જ રાજકુંવરી જેવી રૂપાળી ને નાજુક. એને લેવા તો સફેદ ઘોડા પર બેસીને કોક રાજકુમાર આવશે. ધામધૂમથી લઈ જશે. એના આરસના મહેલમાં રાજ કરશે મારી બેના.’
ગરોળી કે વંદા ભલે જુગુપ્સા પ્રેરતા રહે. આકૃતિના ઘરનું વાતાવરણ ભાવવાહી બનાવી જતા. દાદી કહેતાં, ‘બેટા, બધે રહી જાણે એ વહુ સાચી. ને લક્ષ્મી તો આપણા પગલે સાસરમાં આવે એ જ સારું. આ તારા દાદાને ત્યાંય કાંઈ નો’તું. જોને મારા આવ્યા કેડે કેવી મસમોટી હવેલી બંધાઈ? હજી સાત પેઢી પહોંચે તેટલી લક્ષ્મી મૂકી ગયા છે. આપણા ઘર જેવું સાસરું મળે તોય ઘણું.’
પણ આકૃતિ કહેતી, ‘આપણું નાનકડું શે’ર. અહીં મોટા શે’ર જેવી સિનેમા, હોટલો ના મળે. મોટા શે’રમાં તો મોટી મોટી હોટલો હોય એય ને રોજ રાતે પાર્ટીઓ થતી હોય. આપણે નિતનવાં કપડાં પે’રી તૈયાર થઈને બનીઠનીને પાર્ટીમાં જવાનું હોય. આપણા રૂપનો ઠસ્સો ત્યાં પડે દાદી. આ નાનકડા શે’રમાં કાંઈ ના મળે બસ, વંદા ને ગરોળી મળે.’
દાદી સમજાવતાં, ‘બેટા, જિંદગી જલસો નથી. જિંદગી તો પરિવારમાં એકબીજાની સાથે હસતા હસતા જીવવાની રીત છે. ને ચમકે એટલું સોનું નઈ. એવી ચમકમાં આપણું આપણાપણું ખોઈ દેવા કરતાં ઘીના દીવાના અજવાળે નિરાંતે.’ પણ દાદી વાત પૂરી કરે તે પહેલાં તો આકૃતિ કોણ જાણે ક્યાંયની ક્યાં પહોંચી ગઈ હોય. કોક ભાભી પાસે નખ રંગાવતી હોય. ક્યાં તો રૂપાળા ચહેરાને વધુ રૂપાળો કરવા માટીનો લેપ કરતી હોય.
આકૃતિનું એક જ સપનું હતું. પૈસાદાર વ્યક્તિ સાથે મોટા શહેરમાં લગ્ન થાય. ભપકાથી રહેવાનું મળે. ક્લબપાર્ટી કલ્ચર માણવાનું મળે. રાંધવા કામ કરવાની કડાકૂટ ન હોય. બસ હરવું ફરવું અને જલસો કરવો. એની નાનકડા શહેરની સરળ સ્વભાવની બહેનપણીઓ અચરજથી એની વાતો સાંભળી રહેતી. ફિલ્મી મેગેઝિનોના ફોટા બતાવતી એ કહેતી, આવી જિંદગી જોઈએ છે મારે. ને બહેનપણીઓ કહેતી, ખાલી ફોટા જોયે શું વળવાનું? વાંચ તો ખરી, આ લોકો રોજ પરણે ને રોજ છૂટા થાય. આજે એક તો કાલે બીજો વર હોય. આપણને આવું કયાં ફાવે?’
ને આકૃતિ મગરૂર થઈ કહેતી, ‘આપણામાં આપણાપણું હોય તો આપણો વર બીજે જાય જ શું કામ? ને બીજો કોઈ આપણને જુએ જ શું કામ? આ મોટા શે’રની છોકરીઓ ખુદ એવું ઇચ્છે કે બીજો વર મળી જાય તો નવતર. બાકી આપણે તો એવા રહીએ કે મજાલ છે કે બેની વચ્ચે ત્રીજું કો’ક માથું ખોસે? બાકી જિંદગી તો આવી જ જીવવી છે નકર લગ્ન કરવા જ નથી.’
ને એની સૂગ  વંદાગરોળીનો ડર, ચોખ્ખાઈનો આગ્રહ, કપડાં પહેરવાની ચીવટ, બોલવા ચાલવાની નજાકત, ચીજોની ઊંચી પસંદગી જોઈ એના ભાઈઓ માબાપ પણ એવું જ વિચારતા કે ગયા અવતારની કોક રાજકુમારી ભૂલી પડી છે. બાકી આ તો મોટા દરબારે શોભે એવી છે. ને એને ગજા ઉપરાંત લાડ લડાવતા.કોલેજમાં કોઈ છોકરાની મજાલ નો’તી કે એને છેડે. પ્રેમનો પ્રસ્તાવ તો દૂરની વાત, પણ જરાક ધારીને જુએ કે નજીક જવાનો પ્રયત્ન કરે તો આકૃતિ એવી ધારદાર નજરે જોતી કે એ હિંમત હારીને દૂર જતો રહેતો. ભૂલમાંય આકૃતિને અડી જાય તો તમાચો ખાવો પડે એવી છાપ આખી કોલેજમાં જમાવી હતી આકૃતિએ.
પોતાના સપનાના રાજકુમાર સિવાય કોઈને પોતાને જોવાનો સુધ્ધાં અધિકાર નથી અને પોતેય જાતને જાળવવી રહી એવી એની દૃઢ માન્યતા. એટલે એની કોલેજના યુવાનો બસ તરસી નજરોથી એને દૂરથી જોયા કરતા ને વિચાર્યા કરતા કે, કોણ હશે એ કિસ્મતવાળો કે જેના નસીબમાં આ સુંદર આકાર ને આકૃતિ લખાયા હશે?
…ને એક દિવસ એ કિસ્મતવાળો આવ્યો. સફેદ ઘોડાને બદલે સફેદ મર્સિડિઝમાં. શેરવાનીને બદલે અરમાનીના સૂટમાં શોભતો. રાજમહેલને બદલે મુંબઈના જૂહુ બીચને અડીને આવેલા કિલ્લા જેવા બંગલામાં આકૃતિને લઈ જવા. વાવાઝોડાની જેમ અને આકૃતિને બે-ત્રણ સવાલો પૂછીને, ધારી ધારીને નિરખીને ઝટપટ લગ્નની તારીખ ગોઠવી ગયો. વિરાજ નામ હતું એનું.
આજ સુધી તો આકૃતિને જોવા આવતા યુવકોને આકૃતિ પ્રશ્નો પૂછતી અને નાપસંદ કરતી, પણ આ વખતે વિરાજે પ્રશ્નો પૂછવાની તક જ ન આપી. બસ, બે ત્રણ પ્રશ્નો એણે પૂછ્યા. ‘રસોઈ બનાવતા આવડે છે? મોટા શહેરમાં પાર્ટી કલ્ચરમાં રહેવાશે? ફેશન વર્લ્ડમાં મારું નામ અને કામ છે.

એમાં એડજસ્ટ થવાશે?’ અને બે ત્રણ વખત હકારમાં ડોકું હલાવવા સિવાય આકૃતિએ ભાગ્યે જ કંઈ કર્યું. એમની મુલાકાત ખુલ્લા વરંડામાં ગોઠવાઈ હતી. ત્યાંય વિરાજની નજર આકૃતિના શરીર પર ફરતી રહી. અદમ્ય ચુંબકત્વ અનુભવાયું આકૃતિને. વિરાજની આંખોમાં એ ડૂબતી ગઈ. ભૂલતી ગઈ પોતાની જાતને, ઓગળતી ગઈ. ખોવાતી ગઈ.
અરે, વાતચીત દરમિયાન દીવાલ પર બે-ત્રણ ગરોળી ફરતી દેખાઈ. તેને ય એણે જોઈ ન જોઈ કરી. ને જેવો વિરાજ ગયો તેવી એ ગરોળીના નામની મોટી બૂમો પાડતી ભાગી દોડીને ભાભીને વળગી.ભાભીઓ કહેવા લાગી. ‘બેનબા, નસીબદાર, જેવું જીવન જોઈતું હતું. એવું જ મળવાનું, રાજ કરવાના મોટા શે’રમાં. હવે ગરોળીને ભૂલી જાવ. ત્યાં તો એક મચ્છરેય જોવા નહીં મળે.’
આકૃતિ સાતમા આસમાનમાં વિહરતી હતી. ત્યાં આમેય એવી અણગમતી વાતોને ક્યાં સ્થાન હોય? ધામધૂમથી લગ્ન કરીને મનગમતા સ્વપ્ન પ્રદેશમાં પહોંચવાની કલ્પના જ કેવી અદ્ભુત હતી? મુંબઈની જાણીતી એડ્. અને ફિલ્મ પ્રોડકશન કંપનીનો માલિક હતો વિરાજ. ટેલિવિઝન પર દર અડધા કલાકે એની જાહેરાત ઝબકતી. ફિલ્મી કલાકારો સાથે પરિચય. એ ફોન પર વાત કરતો ત્યારે આકૃતિને એ પાર્ટીઓનાં દૃશ્યો આબેહૂબ દેખાતાં.
આકૃતિ ઘણી વખત પૂછી બેસતી, ‘આટઆટલી દેખાવડી મોડેલ, હીરોઇન મળવા છતાં તમે લગ્ન માટે મને જ કેમ પસંદ કરી? કોઈ અલ્ટ્રા મોડર્ન હીરોઇન કે મોડલ કે પછી તમારી જ લાઇનની છોકરી કેમ નહીં?’વિરાજ જવાબમાં ખડખડાટ હસતો ને કહેતો, ‘ગાંડી છે તું. એટલું ય નથી સમજતી? પ્રેમપત્રો લખવા કોરો કાગળ જોઈએ ને ફેશન વર્લ્ડમાં બધું પ્રોફેશનલ હોય કશુંય પર્સનલ ન થઈ શકે. મારે તો તારા જેવી જ, નાના શહેરની સુંદર, ભોળી, પવિત્ર યુવતી સાથે લગ્ન કરવા હતા.’
ને આકૃતિ જાત પર ગૌરવ અનુભવતી પોરસાતી. લગ્નને ઉંબરે પહોંચેલી યુવતીઓની ખાસિયત હોય છે. ચારે બાજુ હરિયાળી દેખાય, બધે પ્રેમની વર્ષા દેખાય. ખાસ કરીને ભાવિ પતિ તો પરમેશ્વરનું બીજું રૂપ જ દેખાય અને હૃદયમાં તાલાવેલી સર્જાય, કયારે વરમાળા આરોપું? કયારે સાત ફેરા લઉં?’સાત ફેરા ય લેવાયા અને વરમાળાયની આપલે થઈ.
આકૃતિ કુમારીમાંથી શ્રીમતી બનીને વિરાજના ઘરે કુમકુમ પગલાં કરી આવી. આકૃતિનાં મા-બાપે ગજા ઉપરાંત ખર્ચો કરી લગ્ન ઉકેલ્યા, પણ તો ય વિરાજની જાહોજલાલી આગળ જાણે તણખલું. આકૃતિ પિયર ફોન કરતી. અહીં તો એક તરફ ઊછળતો દરિયો છે ને બીજી તરફ માણસોનો મહાસાગર. એક તરફ પૈસા વરસે તો બીજી તરફ ઉડાવાય. અહીં રોજ રાત્રે પાર્ટી.

અડધી રાત સુધી જાણે દિવસ ને ચડતી સવારે રાત. વિરાજે એના ફ્રેન્ડ્ઝને પાર્ટી આપી તે દિવસે તો મને તૈયાર કરવા ફેમસ બ્યુટિશિયન ખાસ આવેલા, ઘરે જ. ને મારો ઈવનિંગ ગાઉન પચ્ચીસ હજારનો! ફિલ્મની હીરોઇન પણ આવેલી પાર્ટીમાં. વિરાજને તો મોટા-મોટા માણસ સાથે ઓળખાણ. ખરું પૂછો તો આ જ મારી ખરી દુનિયા. અત્યાર સુધી હું જાણે હતી જ નહીં. હવે જ ખરું જીવું છું.

દિવસોને પવનની પાંખો લાગીને સરસર ઊડવા લાગ્યા. હવેલીની જગ્યાએ પેલેસ, એય સેન્ટ્રલી એરકન્ડિશન્ડ. અહીં ગરોળીનો ડર ન હતો. અહીં મોટા આલ્સેશિયન કૂતરાં ચોકી કરતા. વંદો કે નાની જીવાત સુધ્ધાં દેખાતી ન હતી.એક દિવસ આકૃતિને કહ્યા વગર વિરાજ રાત્રે બહાર રોકાયો. સવારે મોડો મોડો ઘરે આવ્યો. આકૃતિએ પૂછયું. ‘એક ફોન કરવાનો સમય પણ ન હતો? એવા તો કયાં બિઝી હતા?’વિરાજે બેફિકરાઈથી કહ્યું, ‘પાર્ટી હતી, સવાર સુધી ચાલી.’

આકૃતિ ચોંકી. ‘મારા વગર જવું પડ્યું? એવી તો કેવી પાર્ટી હતી? ખબર છે? તમારો ફોન સ્વીચઓફ આવતો હતો. તે મને ચિંતા થતી હતી. આખી રાત હું જાગતી બેસી રહી.’વિરાજે કહ્યું, ‘ડાર્લિંગ, તું ઘરે રહીશ તો આમ જ બોર થઈશ ને મનેય કરીશ. એન્જોય યોર સેલ્ફ. આપણે ત્યાં કોણ કયાં જાય છે તે કોઈ પૂછતું નથી તો પછી જાતે જાતે ઘરમાં શું કામ પૂરાઈ રહે છે? બોલ મોડલિંગ કરવું છે?’આકૃતિ બોલી: ‘મોડેલ? હું?’
વિરાજ બોલ્યો, ‘યસ, વ્હાય નોટ? તારું ફીગર પરફેકટ છે, બ્યુટી છે તો કેમ નહીં. ઈનફેકટ આજે જ કાસ્ટિંગ કમિટીની પાર્ટી છે. રાત્રે ગ્લેમરસ ડ્રેસ પહેરીને તૈયાર રહેજે.’ આકૃતિનો આખો દિવસ મૂંઝવણમાં રહ્યો. સાંજ પડીને વાદળો ઘેરાયા. મુશળધાર વરસાદ પડવા લાગ્યો. આકૃતિએ વિરાજને કહ્યું, ‘આ વરસાદમાં પાર્ટી કેન્સલ થશે ને?’
વિરાજ બોલ્યો, ‘હોતું હશે? પાર્ટી તો થશે. ઓપન ગાર્ડનમાં… રેઈન ડાન્સ થશે. તું વોટરપ્રૂફ મેકઅપ કરજે. ને રેડ સ્કર્ટને વ્હાઈટ ટોપ પહેરજે. અમેરિકાથી લાવેલાં તે.’ વિરાજના અવાજમાં આદેશ હતો કે શું? આકૃતિને સમજ ન પડી, પણ એનાથી દલીલ પણ ન થઈ કે વરસાદમાં સફેદ ટોપ ને મિની સ્કર્ટ કેવી રીતે પહેરાય?

રાત્રે બારના ટકોરે ડાન્સ શરૂ થયો. કાસ્ટિંગ માટે આવેલી બે-ત્રણ રૂપાળી છોકરી આવીને ચેનચાળા કરતી વિરાજને ખેંચી ગઈ. એમનાં કપડાં જોયા પછી પોતાના મિની સ્કર્ટ પર આકૃતિને ગર્વ થયો. સાવ પારદર્શક ને ટૂંકાં કપડાંમાં યુવતીઓ મોડેલ તરીકે પસંદ થવા જાતજાતના પોઝ આપતી હતી. પાર્ટી ફાર્મહાઉસમાં હતી. ગામડાનો સેટ હતો. આકૃતિને ઘડીભર એનું ઘર યાદ આવ્યું. ઘણા દિવસથી ફોન નથી થયો. કાલે જ કરીશ એવું વિચારતી એ આમ તેમ ફાંફાં મારવા લાગી.

વિરાજના થોડા મિત્રોનું ટોળું એને ઘેરીને ઊભું રહી ગયું. બધા નશામાં હતા. આકૃતિને આંખોથી પીતા, સ્પર્શના બહાના શોધતા.આકૃતિ બાવરી બની વિરાજ તરફ ઝડપથી જતી રહી. વિરાજ એને જોઈ કહેવા લાગ્યો, ‘વ્હાય ડોન્ટ યુ એન્જોય?’ ને પછી એક આધેડ માણસની ઓળખાણ કરાવતો બોલ્યો, ‘મીટ માય પ્રોડ્યુસર એન્ડ ફાયનાન્સર મિ.શેલત’ અને આંખ મિચકારતો શેલત સામે હસતો કહેવા લાગ્યો. ‘

મિ.શેલત, માય બ્યુટીફુલ વાઈફ આકૃતિ, પ્લીઝ એને કંપની આપો અને ટેસ્ટ કરો કે તમારી નવી મોડલ એમાં દેખાય છે તમને?’ ને જતા જતા આકૃતિને કાનમાં કહેતો ગયો, ‘ડાન્સ કરજે. ગ્લેમર વર્લ્ડમાં કોઈ અડે, ડાન્સ કરે તો સમજવું કે આપણામાં ગ્લેમર છે. બી બ્રેવ.’લાઈટ ડીમ થઈ. મ્યુઝિક લાઉડ થયું અને ડાન્સ શરૂ થયો. મિ.શેલત આકૃતિના ખભે હાથ વીંટાળી ડાન્સ કરવા લાગ્યો. ફાર્મ હાઉસની લાલ ઈંટની ડિઝાઇનવાળી દીવાલ ઉપર અંધારું થતાં જ ગરોળીઓ ફરવા લાગી.
એનો ઠંડો, લીસ્સો, ચીકણો સ્પર્શ જાણે અનુભવાતો હોય એવું લાગતા આકૃતિ ગભરાઈ અકળાઈ, એનું પોતાનું ઘર હોય તો કદાચ એણે ચીસો પાડી આખું ઘર ભેગું કર્યું હોત, પણ લાઉડ મ્યુઝિકમાં એની બૂમ સંભળાવાની જ ન હતી. એણે મોડેલ સાથે ડાન્સ કરતા વિરાજ તરફ જોયું એને સમજાયું જ નહીં કે એણે ગરોળીથી ડરવું જોઈએ કે નહીં? ગરોળી એના શરીર તરફ આગળ વધી, પણ આકૃતિ વિરાજ તરફ આગળ ન વધી શકી. એને સમજાયું જ નહીં કે ચીસ પાડવી જોઈએ કે નહીં?
છેવટે એણે મન મક્કમ કર્યું. દાદીનો અવાજ એના કાનમાં પડઘાયો. ‘આપણી અંદર બહુ નાનકડો આતમરામ સૂતો છે બેટા, પણ એની તાકાત બહુ છે. ડર લાગે ત્યારે એને જગાડી જોવાનો. પછી ડર ન રહે.’એણે મક્કમ થઈને ડાન્સ કરતા અટકીને હાથ ખસેડી લીધા.અંધારામાં બહાર દોડી ગઈ. ડ્રાઇવરો બહાર ગપ્પાં મારતા હતા. એમના માટે આ નવું હતું. ઝડપથી એનો ડ્રાઇવર આવ્યો. આકૃતિએ કહ્યું, ‘મારા ગામડે લઈ જા.’
ડ્રાઇવર ઘડીક અચકાયો. પાછા ફરીને બીજા ડ્રાઇવરો તરફ જોયું. એક સ્મિત કર્યું. આખરે એકને તો હિંમત આવી. બધાએ ભેગા થઈ એને શાલ ઓઢાડી. જાણે કોઈ એવોર્ડ ફંક્શનમાં એનું સન્માન થતું હોય ને પછી ગાડી દોડવા માંડી સડસડાટ ગામડે. એના પોતાના ઘરના રસ્તે.

ડો.સ્વાતિ ધ્રુવ નાયક

You might also like