કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર જારીઃ બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે ત્રાસવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે. બુધવારે મોડી રાત્રે શરૂ થયેલી સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચેની અથડામણો આ લખાઇ રહ્યું છે ત્યારે પણ હજુ ચાલુ છે.

આ અથડામણમાં માર્યા ગયેલા બંને ત્રાસવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીનના સભ્યો હતા. તેમના નામ નાસિર અહમદ પંડિત અને વસિમ અહમદ માલા છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં સુરક્ષા દળોને એવી બાતમી મળી હતી કે દ‌િક્ષણ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે અને ત્યાર બાદ સુરક્ષા દળોએ ત્યાં ત્રાટકીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.

શોપિયામાં અથડામણ સ્થળેથી શસ્ત્રો અને વિસ્ફોટકો મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર તરીકે થઇ છે. આમાંનો નાસિર અહમદ પંડિત છે જે ગઇ સાલ જમ્મુ-કાશ્મીરના તત્કાલીન માહિતી અને પ્રસારણ પ્રધાન અલ્તાફ બુખારીના ઘરે તહેનાત સુરક્ષાદળોની બે રાઇફલ છીનવીને ફરાર થઇ ગયો હતો.

You might also like