સૌરાષ્ટ્રમાં જેનેરિક દવાની ગુણવતા મુદ્દે સવાલો

સરકારી હોસ્પિટલોના તબીબો પણ બ્રાન્ડેડ દવાઓ લખતા હોવાની ફરિયાદો સરકારને મળી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તબીબે જેનેરિક દવા લખી હોય, પરંતુ તે બજારમાં ઉપલબ્ધ ન હોઈ ગરીબ દર્દીઓને નછૂટકે લુંટાવું પડે છે. આરોગ્ય વિભાગ સમક્ષ જેનેરિક દવા મામલે ફરિયાદો પહોંચ્યા બાદ તત્કાલીન આરોગ્ય કમિશનર પી.કે. તનેજાએ માર્ચ, ર૦૧૪માં પરિપત્ર જારી કરીને તમામ હોસ્પિટલોમાં દર્દીઓને આવશ્યક દવાઓ મફત ઉપલબ્ધ થાય અને અનિવાર્ય સંજોગોમાં પ્રિસ્ક્રિપ્શન લખવાનું થાય તો જેનેરિક દવા જ લખવાનો આદેશ કર્યો હતો.

આ આદેશનું પાલન ન કરનાર સામે ગેરશિસ્તની કાર્યવાહી કરવાનું પણ સૂચવાયું હતું. આ પરિપત્ર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે પણ આદેશો જારી કર્યા હતા કે તબીબોએ સામાન્ય સંજોગોમાં માત્ર જેનેરિક દવાઓ જ લખવી. અસામાન્ય સંજોગો હોય ત્યારે જ બહારની દવા લખવી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ડી.જે.વચ્છરાજ કહે છે,”સિવિલમાં તબીબો આદેશાનુસાર જેનેરિક દવાઓ જ લખતાં હોય છે. આમ છતાં ક્યાંક ફરિયાદો ઊઠી રહી છે. સરકાર આ મુદ્દે ગંભીર છે. ગાંધીનગરમાં યોજાયેલી તબીબી અધીક્ષકોની બેઠકમાં જેનેરિક દવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યમાં ખાસ સ્ટોર ઊભા કરવાની ચર્ચા પણ થઈ હતી. રાજકોટ સિવિલ કેમ્પસમાં સામાજિક સંસ્થા સંચાલિત મેડિકલ સ્ટોરમાં જેનેરિક દવા મળે તે માટે કહેવાયું છે.”

સિવિલ કેમ્પસમાં લાઈફલાઈન હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંચાલિત મેડિકલ સ્ટોર ‘સુવિધા’ની બહાર ‘જેનેરિક દવાઓ અહીં મળશે’ તેવું બોર્ડ લગાવાયું છે, જે દર્દીઓ માટે રાહતની બાબત છે. ખાનગી હોસ્પિટલો કે મેડિકલ સ્ટોર બહાર આવું બોર્ડ પણ જોવા મળતું નથી. જોકે કેટલીક દવાનું કોમ્બિનેશન એવું હોય છે કે દર્દીઓને વિવિધ ગોળીઓ લેવી પડે છે. જ્યારે બ્રાન્ડેડ દવામાં એક જ ગોળીમાં જરૂરી દવાઓનું મિશ્રણ હોય છે, એટલે બ્રાન્ડેડ દવાઓની વધુ માગ રહે છે. જેનેરિક દવાઓની ગુણવત્તા બાબતે પણ દર્દીઓ અને ડૉક્ટરો સવાલો કરતા હોય છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ડૉ. અતુલ પંડ્યા કહે છે, “જેનેરિક દવાઓ સસ્તી હોય છે, પરંતુ તેની ગુણવત્તા સુધારવાની જરૂર છે. સરકારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ઉત્તમ ગુણવત્તાની જેનેરિક દવાઓ ઉપલબ્ધ હશે તો તબીબો પણ તે લખવા પ્રેરાશે. સસ્તી દવાની લાલચમાં ગુણવત્તા વગરની દવાઓ લખીને દર્દી જોખમમાં મુકાય તેવું તબીબો ઈચ્છતા નથી.”
દેવેન્દ્ર જાની

You might also like