લશ્કરના જવાનોને પ૦,૦૦૦ નવાં બુલેટ પ્રૂફ જેકેટ મળશે

નવી દિલ્હી: લશ્કરના જવાનોને બુલેટ પ્રૂફ જેકેટ માટેની દાયકા જૂની પ્રતીક્ષાનો હવે અંત આવશે. ભારતીય લશ્કરે ટાટા જૂથનાં ટાટા એડવાન્સ મટીરિયલ્સ લિ.ને પ૦,૦૦૦ બુલેટ પ્રૂફ જેકેટસ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. રૂ.૧૪૦ કરોડના ખર્ચે લશ્કર માટે આ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ઓગસ્ટથી લશ્કરના જવાનોને બુલેટ પ્રૂફ જેકેટની ડિલિવરી શરૂ થઇ જશે. જાન્યુઆરી ર૦૧૭ સુધીમાં તમામ બુલેટ પ્રૂફ જેકેટની ડિલિવરી સંપન્ન થઇ જશે. ૧૦ લાખથી વધુ સંખ્યાબળ ધરાવતા લશ્કરના આધુનિકીકરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવેમ્બર ર૦૧૪માં મનોહર પારિકરે સંરક્ષણ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળતાંની સાથે જ બુલેટ પ્રૂફ જેકેટ માટે વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. પારિકરે વચગાળાની ઇમર્જન્સી ખરીદી માટે મંજૂરી આપી દીધી હતી.

ઓકટોબર ર૦૧પમાં છ વેન્ડર્સ દ્વારા બનાવવામાં આવેલા ૧.૮૬ લાખ મોડયુલર જેકેટને ફિલ્ડ પરીક્ષણમાં અયોગ્ય ગણાવવામાં આવ્યાં હતાં. જ્યારે ઓછા વજન ધરાવતા આ નવા જેકેટ લશ્કરના નવા જનરલ સ્ટાફની ગુણવત્તાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માથું, ગળું, છાતી અને ખભાની સુરક્ષા કરવામાં સક્ષમ એવા આ બુલેટ પ્રૂફ જેકેટ તૈયાર કરાશે. બીજું તેનું વજન ઓછું હોવાથી આ જેકેટમાં લશ્કરના જવાનોને મુશ્કેલ વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ખાસ મુશ્કેલી પડશે નહીં.

આમ તો જોકે લશ્કરને ૩,પ૩,૭૬પ નવા બુલેટ પ્રૂફ જેકેટની જરૂર છે અને તેની સામે પ૦,૦૦૦ બુલેટ પ્રૂફ જેકેટ ઓછાં પડશે, પરંતુ પ૦,૦૦૦ બુલેટ પ્રૂફ જેકેટની તત્કાળ ધોરણે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

You might also like