૧ર૦ કોલેજના પ્રિન્સિપાલની ભરતી બે વર્ષથી અધ્ધરતાલ

અમદાવાદ: અમદાવાદની આશરે ૨૫ જેટલી કોલેજો સહિત રાજ્યની ૧ર૦ કોલેજોમાં છેલ્લા બે વર્ષથી પ્રિન્સિપાલની ભરતી માટેની પ્રક્રિયા હજુ પણ અદ્ધરતાલ હોવાથી આ કોલેજો આજે પણ પ્રિન્સિપાલ વિહોણી છે. પ્રિન્સિપાલની ભરતી માટેની સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા બે વર્ષ પૂર્વે રદ થઇ હતી.

સેન્ટ્રલાઇઝ પ્રક્રિયા રદ થયા બાદ કોલેજના સંચાલકોને જગ્યા ભરવાની સત્તા બે વર્ષ પૂર્વે સોંપી દેવામાં આવી હતી. જેમાં સરકાર જે પદ્ધતિ આપે તેને અનુસરીને પ્રિન્સિપાલની ભરતી કરવી તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સરકારે પદ્ધતિ નક્કી કરવા માટે ત્રણ-ત્રણ વખત કમિટીની રચના કરી અને તમામ કમિટીઓએ પોતાના મંતવ્યો અને અહેવાલ સરકારને સુપ્રત કર્યા બાદ સરકારને એક પણ કમિટીની ભલામણ સ્વીકાર્ય ન બનતાં હજુ ચોથી કમિટીની રચના પ્રિન્સિપાલની ભરતીની પ્રક્રિયા પદ્ધતિ નક્કી કરવા માટે કરવામાં આવી આવી છે.

આ ચોથી કમિટીએ પણ યુજીસીના નિયમો અભ્યાસ કરીને ૬૦-૪૦ પ્રમાણેે પ્રિન્સિપાલની ભરતી કરવાની ભલામણ હાયર એજ્યુકેશન બોર્ડ સમક્ષ કરી છે. આ ભલામણમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ૬૦ માર્કસ અને અન્ય ૪૦ માર્કસ આપવાની સત્તા કોલેજ સંચાલકોને સોંપવાનું નક્કી  કરાયું છે.

કેવી રીતે માર્કસ આપવા તેની પદ્ધતિ પણ અહેવાલમાં રજૂ કરવામાં આવી છે. સરકારને હવે ચોથી કમિટીની ભલામણ પસંદ આવે તેવી શકયતા છે. જો આવું થશે તો કોલેજોના પ્રિન્સિપાલની ભરતીની પ્રક્રિયા આગળ વધશે. જોકે આ તમામ ગાઇડ લાઇન યુજીસીમાં આપેલી છે. ૬.૦.૯ મુજબ ચોથી કમિટીએ પણ તમામ ભલામણો સાથે ડિસેમ્બરમાં રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો છે. છતાં આ બાબતે હજુ સુધી કોઇ પ્રક્રિયા આગળ વધી નથી. રાજ્યની પ્રિન્સિપાલની ભરતી માટેની ૧૦૪ કોલેજને એનઓસી અપાઇ ચૂકયા છે અને ૧૬ કોલેજ પ્રક્રિયા હેઠળ છે. આમ કુલ ૧ર૦ કોલેજ હાલમાં પ્રિન્સિપાલ વિહોણી છે.

You might also like