12 વર્ષનો રાહુલ મણિનગરથી ટ્રેનમાં બેસી નડિયાદ પહોંચી ગયો

અમદાવાદ: શહેરના મ‌િણનગર વિસ્તારમાં આવેલ એલજી હોસ્પિટલમાંથી તારીખ ર૭ મેના રોજ ગુમ થયેલ ૧ર વર્ષીય રાહુલ હેમખેમ ન‌ડિયાદના ચાઇલ્ડ હોમમાંથી મળી આવતાં પોલીસ તેમજ રાહુલનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

રાહુલ હોસ્પિટલના કમ્પાઉમ્ડમાં ટિફિન આપીને મ‌િણનગર રેલવે સ્ટેશન પર ટ્રેન જોવા માટે ગયો હતો. રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેન જોઇને રાહુલ તેને જોવા અંદર ગયો હતો, જ્યાં અચાનક ટ્રેન ચાલુ થઇ જતાં તે સીધો ન‌ડિયાદ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. નડિયાદ રેલવે સ્ટેશન પર રાહુલ એકલો ફરતો હતો ત્યારે એક જાગૃત નાગ‌િરક તેને ન‌િડયાદ ચાઇલ્ડ હોમમાં મૂકી આવ્યા હતા.

લાંભામાં રહેતા દિનેશભાઇ શર્માના દોઢ વર્ષના પુત્ર આયુષની ત‌િબયત ખરાબ હોવાથી તેને ર૦ દિવસ પહેલાં એલજી હોસ્પિટલના પીડિયાટ્રિક યુ‌િનટ-૧માં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આયુષની સારસંભાળ રાખવા માટે દિનેશભાઇ શર્મા, તેમનાં પત્ની અને બે પુત્ર હોસ્પિટલમાં રોકાયા હતા.

તારીખ ર૭ મેના રોજ દિનેશભાઇ શર્માનો ૧ર વર્ષનો પુત્ર રાહુલ જમવાનું ‌ટિફિન આપવા માટે એલજી હોસ્પિટલના ગાર્ડનમાં ગયો હતો, જ્યાંથી તે અચાનક ગુમ થયો હતો.

ટિફિન આપીને પરત નહીં આવતાં દિનેશભાઇ સહિત તેમનાં પરિવારજનોએ રાહુલની શોધખોળ કરી હતી, જોકે તે નહીં મળી આવતાં તેમણે તારીખ ૩૦ મેના રોજ મ‌ણિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી હતી. એલજી હોસ્પિટલમાંથી બાળક ભેદી રીતે લાપતા થયું હોવાથી પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રાહુલ ગુમ થવાના મામલે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ન‌ડીયાદ ચાઇલ્ડ હોમમાંથી મ‌ણિનગર પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો અને રાહુલ તેમની પાસે હોવાનું જણાવ્યું હતું. રાહુલ ચાઇલ્ડ હોમમાં હેમખેમ હોવાના સમાચાર સાંભળતાં પોલીસ તેમજ રાહુલનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

You might also like