ધો. ૧૨ના વિદ્યાર્થીએ કાર નીચે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડ્યાઃ બેનાં મોત

નવી દિલ્હીઃ દિલ્હીમાં મથુરા રોડ સ્થિત એક જાણીતી સ્કૂલમાં ધો. ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કાશ્મીરી ગેટ વિસ્તારમાં ફૂટપાથ પર સુતેલા લોકો પર કાર ચડાવી દઈને પાંચ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બેનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા. કાર ચલાવનાર વિદ્યાર્થી હજુ પાંચ દિવસ પહેલાં જ પુખ્ત થયો હતો અને તેની પાસે લાઈસન્સ પણ ન હતું. પોલીસે કેસ દાખલ કરીને આ યુવાનની ધરપકડ કરી છે.

કાશ્મીરી ગેટ વિસ્તારમાં લોખંડના પુલ પર કેટલાક લોકો ફૂટપાથ પર સૂતા હતા સવારે ૫.૪૫ કલાકે એક આઈ-૨૦ કારે તેમને કચડી નાખ્યા હતા. આમાંથી એક શખસ કાર સાથે લગભગ ૨૦ મીટર સુધી ઘસડાયો હતો. કારમાં ત્રણ લોકો સવાર હતા અને ત્રણેય દિલ્હીની એક જાણીતી સ્કૂલમાં ધો. ૧૨માં અભ્યાસ કરે છે. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અકસ્માત વખતે સમર ચુગ નામનો યુવાન કાર ચલાવી રહ્યો હતો. કાર તેના મિત્ર ઉજ્જવલની હતી. કારમાં તેનો અન્ય મિત્ર ભવ્ય સવાર હતો.

ઘટના સ્થળેથી બે યુવાન ભાગી ગયા હતા અને કારચાલકને પકડી લેવામાં આવ્યો હતો. પાછળથી ભાગી ગયેલા બે યુવાનની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેઓ નશામાં હતા કે કેમ તેની ચકાસણી કરવા ત્રણેયના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. આરોપીનો પાંચ િદવસ પહેલા જ એટલે કે ૧૫મી એપ્રિલે બર્થ ડે હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મથુરા રોડ પર આવેલ પોતાની શાળાના મિત્રોને મળવા જઈ રહ્યા હતા. ત્રણેય યુવાનના પિતા મોટા બિઝનેસમેન છે.
http://sambhaavnews.com/

You might also like