નામ નહિ છતાં ૧૨ દિવસના બાળકનું આધારકાર્ડ બની ગયું

સિરસા: હરિયાણાના સિરસા જિલ્લામાં માત્ર 12 દિવસના નામ વિનાના એક બાળકને આધારકાર્ડ મળી ગયું હોવાની ઘટનાએ ભારે અચરજ ફેલાવ્યું છે અને જન્મના 12 દિવસ બાદ જ આ બાળકને આધારકાર્ડ કેવી રીતે મળ્યું તે અંગે વિવિધ સવાલ થઈ રહ્યા છે.

એક તરફ દેશમાં અનેક અરજદારોને અનેક ધક્કા ખાવા છતાં સમયસર આધારકાર્ડ મળતાં નથી ત્યારે બીજી તરફ હરિયાણાના સિરસા જિલ્લાના આ બાળકના નામે આધારકાર્ડ બની ગયાની વાત પર કોઈ વિશ્વાસ નથી મૂકતું. પરંતુ આ બાબત સાચી છે.

આ બાળકના આધારકાર્ડમાં તેનો ફોટો લાગેલો છે, પરંતુ તેના નામને બદલે તેની માતાનું નામ અને પૂરું સરનામું છે. આ અંગે બાળકના પિતા સુધીરે જણાવ્યું કે તેમના પુત્રનો જન્મ 26 ફ્રેબ્રુઆરીએ એક ખાનગી હોસ્પિટલમાં થયો હતો. કેટલીક ખાનગી હોસ્પિટલ બાળકના જન્મ અંગેની માહિતી આધારકાર્ડ બનાવતી એજન્સીઓને આપે છે. બાળકના જન્મના ત્રણ કલાક બાદ માહિતી લેનારા હોસ્પિટલ પહોંચી ગયા હતા અને માહિતી લીધા બાદ જણાવ્યું હતું કે એક મહિનામાં આધારકાર્ડ બની જશે.

જોકે સુધીરને નવાઈ એ વાતની લાગી કે તેમના બાળકનું આધારકાર્ડ માત્ર 12 દિવસમાં બની ગયું હોવાનો ફોન તેના પર આવતાં તે અચરજમાં મુકાઈ ગયો હતો, કારણ તેનું કાર્ડ બનતાં છ મહિના લાગ્યા હતા. કાર્ડમાં તેમના પુત્રનો ફોટો જોયા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેના નામ સામે તેની માતા મીનાક્ષીદેવીનું નામ લખેલું હતું અને સુધીરના ઘરનું સરનામું લખેલું હતું. સુધીરે બાળકના નામ અંગે પૂછતાં જણાવાયું હતું કે નામ પાછળથી બદલી શકાશે, જોકે યુઆઈડીએઆઈના નિયમ મુજબ જન્મના એક વર્ષ સુધીમાં બાળકના આધારકાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે, તેમાં તેની બાયોમે‌િટ્રક માહિતીની જરૂર રહેતી નથી, કારણ તે પાંચ વર્ષ સુધી બદલાતી રહે છે, જોકે આ માટે બાળકના જન્મના પ્રમાણપત્રની ખાસ જરૂર રહે છે.

You might also like