ધો. ૧૧ સાયન્સની પ્રથમ-બીજી ટેસ્ટમાં ૨૫ માર્ક્સના પ્રશ્ન MCQ

અમદાવાદ: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મથામણ બાદ ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સની પેપર સ્ટાઈલ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાશકારો થયો છે. સેમેસ્ટર પદ્ધતિ રદ થયા બાદ જાહેર કરાયેલી પેપર સ્ટાઈલના માર્કની પદ્ધતિમાં ઘણો ફેરફાર કરાયો છે. ધોરણ ૧૧ની પરીક્ષા વર્ષમાં બે ભાગમાં વહેંચાયેલી રહેશે. જેના આધારે ફાઈનલનું ધોરણ ૧૧નું પરિણામ જાહેર થશે.

નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પેપર સ્ટાઈલના મુદ્દે અનેક મૂંઝવણો હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સ પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં જડમૂળથી ફેરફારો થયા છે. નવું જાહેર થયેલું માળખું આગામી સપ્ટેમ્બર માસથી લેવાનારી પરીક્ષામાં જ અમલી થશે. હવે સપ્ટેમ્બરમાં લેવાનારા પહેલી કસોટીના ગણતરીના દિવસો પહેલા જ પેપર સ્ટાઈલ જાહેર કરાતાં પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે.

આગામી માસે લેવાનારી પરીક્ષામાં ૫૦ ટકા એમસીક્યુ પૂછાશે. ધોરણ ૧૧માં પહેલી અને બીજી પરીક્ષામાં ૨૫ માર્કના એમસીક્યુ (મલ્ટિપલ ચોઈસ કવેશ્ચિયન) પૂછાશે. ધોરણ ૧૧માં ૫૦ માર્કની પરીક્ષા માટે ૨ કલાકનો સમય ફાળવવામાં આવશે. ધોરણ ૧૧ની પહેલી અને બીજી કસોટી તેમજ ધોરણ ૧૨ની પ્રથમ પરીક્ષા માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રશ્નપત્રનું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ ૧૧માં પ્રથમ અને બીજી કસોટીનું ફિઝિક્સ કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સનું પેપર બે ભાગમાં વહેંચાયેલું રહેશે. ૫૦ માર્કના પાર્ટ એ એમસીક્યુનો હશે. જેના જવાબો વિદ્યાર્થીઓ ઓએનઆર શીટમાં આપવાના રહેશે. પાર્ટ બી વિષયલક્ષી હશે. જેના જવાબ વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં લખવાના રહેશે. પાર્ટ બીમાં સેકસન એમાં બે ગુણના ૬ પ્રશ્ન સેકશન બીમાં ૩ ગુણના ૩નો અને સેકસન સીમાં ચાર ગુણનો એક પ્રશ્ન પૂછાશે.

આ સિવાય ધોરણ ૧૨ની પ્રથમ પરીક્ષાનું પેપર ૧૦૦ માર્કનું રહેશે. તે માટે વિદ્યાર્થીને ૩ કલાકનો સમય અપાશે. જેમાં ૫૦ ટકા એમસીક્યુ અને ૫૦ ટકા વિષયવાર પ્રશ્ન પૂછાશે.

You might also like