વટહુકમ અંગે પણ સરકાર અને સુપ્રીમ કોર્ટ સામસામે

સર્વોચ્ચ અદાલત અને કેન્દ્ર સરકાર વચ્ચેના સંઘર્ષમાં હવે આ સંઘર્ષને પ્રબળ બનાવે તેવા બીજા અનેક નવા મોરચા પણ ખૂલી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતના કૉલેજિયમે અલાહાબાદ હાઇકોર્ટ માટે તેર ન્યાયાધીશોનાં નામો સરકારની મંજૂરી માટે બીજી વખત મોકલી આપ્યાં હતાં પરંતુ સરકારે આ યાદી પણ પાછી મોકલાવી છે. દરમિયાન સર્વોચ્ચ અદાલતે સરકારના વિવિધ વટહુકમો અંગે તેનો નિર્ણય આપ્યો છે એ પણ સંઘર્ષનો એક વધુ મુદ્દો બની શકે તેમ છે. અદાલતે જણાવ્યું છે કે સરકાર જો એક જ વટહુકમ બીજી વખત બહાર પાડે તો એ બંધારણનો અનાદર ગણાશે. વર્તમાન કેન્દ્ર સરકારે એકના એક વટહુકમો એકથી વધુ વખત બહાર પાડ્યા છે.

જમીન સંપાદન ધારામાં સુધારા અંગેનો વટહુકમ સરકારે ચાર વખત બહાર પાડ્યો હતો, કેમ કે આ મુદ્દે સરકાર વિપક્ષ સાથે સર્વસંમતિ સાધવામાં નિષ્ફળ રહેતાં તેને સંસદમાં પસાર કરાવી શકી ન હતી. આખરે સરકારે આ ધારામાં સુધારા અંગેનો ખરડો પાછો ખેંચી લીધો હતો. આ જ પ્રકારે સરકારે શત્રુ સંપત્તિ અંગેનો વટહુકમ મંજૂરી માટે રાષ્ટ્રપતિને પાંચમી વખત મોકલ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેને મંજૂરી તો આપી પરંતુ સાથે એવું પૂછ્યું પણ ખરું કે એવી તે કઈ અનિવાર્યતા છે કે આ વટહુકમને પાંચમી વખત મોકલવો પડ્યો! ખરી વાત એ છે કે સરકાર આ મુદ્દે પણ વિપક્ષ સાથે સર્વસંમતિ સાધી શકી નથી.

આમ, રાષ્ટ્રપતિ પછી હવે સર્વોચ્ચ અદાલત પણ વટહુકમો સામે પ્રશ્નો ખડા કરી રહી છે. એથી સરકારે એક વટહુકમને બીજી વખત બહાર પાડતાં પહેલાં બે વખત વિચારવું પડશે. નોટબંધી અંગેનો ખરડો પણ સંસદના આગામી સત્રમાં પસાર કરવો પડશે. તેના અંગેનો વટહુકમ બહાર પાડેલો છે. સંસદમાં બીલ પસાર ન થાય તો મામલો સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like