રાફેલ પર કેગ રિપોર્ટમાં કિંમતનો ઉલ્લેખ નહીં, 11 ડિફેન્સ ડીલનો હિસાબ આજે સંસદમાં રજૂ કરાશે

728_90

(એજન્સી) નવી દિલ્હી: રાફેલ ડીલ પર વિપક્ષના સતત હુમલા વચ્ચે આજે સંસદમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેગ ફક્ત રાફેલ જ નહીં પણ વાયુ સેનાની ૧૧ ડીલ પર પોતાનો રિપોર્ટ આપશે.

આ રિપોર્ટમાં રાફેલ ફાઈટર પ્લેનની વાસ્તવિક કિંમત અંગે કોઈ ઉલ્લેખ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાફેલ ડીલ તો કેગના રિપોર્ટનો એક ભાગ જ છે. કેગ દ્વારા એક સાથે અત્યાર સુધીના વાયુસેનાના ૧૧ સંરક્ષણ સોદાની ઓડિટ કરવામાં આવેલ છે. આ રિપોર્ટમાં રક્ષા ખરીદીના તમામ પેરામીટરના આધારે રાફેલ ડીલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કેગે ડિફેન્સ ડીલનું એક તુલનાત્મક મૂલ્યાંકન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલના મુદ્દે વિપક્ષ સતત મોદી સરકારને ઘેરી રહ્યો છે અને આકરો હુમલો કરી રહ્યો છે. સોમવારે લખનૌમાં આયોજિત કોંગ્રેસના રોડ શો દરમિયાન પણ રાહુલ-પ્રિયંકાએ રાફેલ વિમાનની પ્રતિકૃતિ હાથમાં લહેરાવી અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ ડીલ અંગે મીડિયામાં સતત એવા સમાચારો આવી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સરકાર બચાવની મુદ્દામાં આવી ગઈ છે.

સોમવારે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકારે રાફેલ ડીલમાંથી એન્ટિ કરપ્શન ક્લોઝ જેવી આગત્યની શરતને જ હટાવી દીધી હતી. સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, રાફેલ ડીલ માટે ભારત અને ફ્રાન્સ સરકારમાં થયેલી સમજૂતી હકીકતમાં યુપીએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી નીતિઓ હેઠળ થઈ હતી. એ સમયે એ.કે. એન્ટની સંરક્ષણ પ્રધાન હતા.

ગયા સપ્તાહે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સંરક્ષણ મંત્રાલયની ટીમની સમંતાર પીએમઓએ પણ આ ડીલ માટે ફ્રાન્સ સરકાર સાથે વાતચીત કરી હતી, જે નિયમોની વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, આગામી એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ ૧૬મી લોકસભાનું અંતિમ સત્ર છે. બજેટ સત્ર પૂરું થાય તેના એક દિવસ પહેલાં જ કેન્દ્રની મોદી સરકાર આજે લોકસભામાં કેગ રિપોર્ટ રજૂ કરવાની છે. આ અગાઉ કોંગ્રેસે કેગ રિપોર્ટ આવે તે પહેલાં જ તેની સામે સવાલો ઉઠાવ્યા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ સીધેસીધો હિતોની ટક્કરનો મુદ્દો છે. જે સમયે મોદી સરકારે ૩૬ રાફેલ પ્લેનનો સોદો કર્યો અને યુપીએ સરકારના ૧૨૬ રાફેલની ડીલ રદ્દ કરી તે વખતે રાજીવ મહર્ષિ નાણાં સચિવ હતા. હવે તેઓ જ કેગના પદ પર છે. જે અધિકારીની દેખરેખમાં જ આ ભ્રષ્ટ સોદો થયો તે પોતાની સામે જ તપાસ કઈ રીતે કરી શકે.

You might also like
728_90