ત્રણ જ મહિનામાં ૧૦૮ને માર્ગ અકસ્માતના ૬૯૮૭ કોલ મળ્યા!

અમદાવાદ: અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે શહેરમાં આવેલી સામાજિક સંસ્થાઓ દ્વારા અકસ્માતનો આંકડો ઘટે તે માટે રોડ સેફટી વીકની ઉજવણી કરવામાં આવે છે. ૪ મેના રોજથી એક અઠવા‌િડયા સુધી રોડ સેફ્ટી વીક તરીકે ઊજવવામાં આવે છે, જોકે વર્ષ ૨૦૧૫ કરતાં પણ વધુ અકસ્માતના બનાવો બન્યા છે. ચાલુ વર્ષ ૨૦૧૬માં માત્ર ત્રણ મહિનામાં ૬,૦૦૦થી વધુ અકસ્માતના બનાવો બન્યા છે. અકસ્માતોના બનાવોને નિયંત્રણમાં લેવામાં ટ્રાફિક પોલીસ સહિતના જવાબદાર સત્તાવાળાઅો નિષ્ફળ ગયા છે.

અકસ્માતો માટે વધતા જતા ટ્રાફિક ઉપરાંત શહેરીજનોનું નિયમોની અૈસી-તૈસી કરી કરાતું બેફામ ડ્રાઈ‌િવંગ જવાબદાર છે. શહેરમાં ગત રવિવારે માણેકબાગ પાસે એક કારચાલકે ચાર વાહનોને ટક્કર મારી હતી, જેમાંથી એક વાહનચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. અા જ દિવસે જુહાપુરામાં મધરાતે ટ્રેલરમાં બાઈક ઘૂસી જતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં.

છેલ્લાં બે વર્ષમાં આંકડા જોઈએ તો શહેરમાં માર્ગ અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ટ્રાફિક પોલીસના આંકડા મુજબ વર્ષ ૨૦૧૪માં કુલ ૧૬૪૨ અકસ્માતના ગુના નોંધાયા હતા. ૨૫૬નાં મોત નિપજ્યાં હતાં. જ્યારે વર્ષ ૨૦૧૫માં ૧૮૩૯ જેટલા અકસ્માતના કેસો ચોપડે નોંધાયા છે, જેમાં ૩૧૮ના મોત થયા હતા. વર્ષ ૨૦૧૪ કરતાં ૨૦૧૫માં માર્ગ અકસ્માતના ૨૦૦ જેટલા વધુ કેસો પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષમાં ત્રણ મહિનામાં અકસ્માતના ૪૯૪ કેસ નોંધાયા છે.

શહેરમાં ૧૦૮ ઈમર્જન્સી સેવાના આંકડા મુજબ અમદાવાદ શહેરમાં ૨૦૧૪ના વર્ષમાં ૧૯૧૯૭ અકસ્માતના કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૫માં ૨૧,૩૩૩ જેટલા કોલ નોંધાયા છે. વર્ષ ૨૦૧૪ કરતાં ૨૦૧૫માં કુલ ૨,૧૦૦ જેટલા કોલ વધુ અાવ્યા હતા. ચાલુ વર્ષ ૨૦૧૬ દરમિયાન ચાર મહિનામાં અમદાવાદ શહેરમાં ૬,૯૮૭ માર્ગ અકસ્માતના કેસોમાં ૧૦૮ ઈમર્જન્સી દ્વારા સેવા આપવામાં આવી છે. ચાલુ વર્ષ દરમિયાન માર્ચ અને એપ્રિલ મહિનામાં ૧,૭૩૩ અને ૧,૬૪૯ અકસ્માતના કેસો સામે આવ્યા છે.

You might also like