બુટલેગરના ઘરમાંથી 107 ભારતીય પાસપોર્ટ અને પિસ્તોલ મળી આવી

અમદાવાદ: વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા નામચીન બુટલેગરની ત્યાં પોલીસે દરોડો પાડતા ૧૦૭ ભારતીય પાસપોર્ટ મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસને એક પિસ્તોલ અને બે કારતુસ પણ મળી હતી. બુટલેગર ઘરમાંથી મળી ન આવતા પોલીસે તેની પત્નીની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના અકોટા ગામ ફૈઝુલાની ચાલીમાં રહેતા નામચીન બુટલેગર ફૈઝુલ શેખની ત્યાં વિદેશી દારુ હોવાની બાતમીના આધારે ગોત્રી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને દરોડા દરમિયાન વિદેશી દારુ મળી આવ્યો ન હતો. પરંતુ, તેના ઘરમાંથી ૧૦૭ ભારતીય પાસપોર્ટ મળી આવતા પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર ફૈઝુલ ઘરમાં હાજર ન હતો.

પોલીસે ૧૦૭ પાસપોર્ટ અંગે ઘરમાં હાજર બુટલેગરની પત્ની સમીરા શેખની પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ, પત્નીએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની વધુ પૂછપરછ માટે અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં પોલીસ દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી.

બુટલેગર ફૈઝુલ શેખના ઘરમાંથી ૧૦૭ વિવિધ નામની વ્યક્તિઓના પાસપોર્ટ મળી આવ્યા છે. આ પાસપોર્ટ તેના ઘરે કેવી રીતે આવ્યા તે માટે જે વ્યક્તિના પાસપોર્ટ ફૈઝુલના ઘરેથી મળી આવ્યા છે. તે વ્યક્તિઓને પોલીસ મથકે બોલાવવામાં આવશે અને પાસપોર્ટ આપવાનું કારણની તપાસ કરાશે.

You might also like