એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ 1000મી ટેસ્ટ રમીને નવો ઇતિહાસ લખશે

લંડનઃ ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે તા. ૧ ઓગસ્ટથી એજબેસ્ટનમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લેશે. તે ૧૦૦૦ ટેસ્ટ મેચ રમનારી દુનિયાની પ્રથમ બની જશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૮૭૭માં પ્રથમ ટેસ્ટ રમાઈ હતી, પરંતુ સૌથી પહેલાં પોતાની ૧૦૦૦મી ટેસ્ટ મેચ રમવાનું ગૌરવ ઈંગ્લેન્ડની ટીમને મળશે.

ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં ૯૯૯ ટેસ્ટ મેચ રમી ચૂક્યું છે અને ભારત સામે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ આ કારણથી ટેસ્ટ ક્રિકેટ માટે ઐતિહાસિક બની જશે.  ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં ૮૧૨ ટેસ્ટ મેચ રમ્યું છે અને તેનો નંબર ઈંગ્લેન્ડ બાદ બીજો આવે છે.

ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ જીત
ઓસ્ટ્રેલિયાએ જોકે રેકોર્ડ ૩૮૩ મેચમાં જીત હાંસલ કરી છે, જ્યારે ઈંગ્લેન્ડ ૩૫૭ મેચ જીતીને બીજા સ્થાન પર છે. ઈંગ્લેન્ડને ૨૯૭ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તેણે ૩૪૫ મેચ ડ્રો રમી છે.

સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા દેશોમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ વિન્ડીઝ (૫૩૫) અને ભારત (૫૨૨)નો નંબર આવે છે. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા (૪૨૭), ન્યૂઝીલેન્ડ (૪૨૬), પાકિસ્તાન (૪૧૫), શ્રીલંકા (૨૭૪), બાંગ્લાદેશ (૧૦૮), ઝિમ્બાબ્વે (૧૦૫) અને આઇસીસી વર્લ્ડ ઈલેવન, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ (ત્રણેય એક-એક ટેસ્ટ મેચ)નો નંબર આવે છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૧૩ ટેસ્ટ રમાઈ ચૂકી છે.

You might also like