મોઝામ્બિકમાં ભયાનક દરિયાઈ તોફાન અને પ્રચંડ પૂરમાં ૧,૦૦૦થી વધુનાં મોત

(એજન્સી) માપુતો: આફ્રિકાના ત્રણ દેશ ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવી છેલ્લા ચાર દિવસથી ભયાનક દરિયાઇ તોફાન અને પ્રચંડ પૂરનો સામનો કરી રહ્યાં છે. એમાંય ત્રણ કરોડની વસ્તી ધરાવતા મોઝામ્બિકમાં તોફાન અને પૂરે ભયાનક તારાજી અને તબાહી સર્જી છે.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ નૂસીએ જણાવ્યું છે કે આ કુદરતી આફતથી ૧પ લાખ લોકો પ્રભાવિત થયા છે અને ૧,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. અત્યાર સુધીમાં ૮૪ મૃતદેહ હાથ લાગ્યા છે. પાંચ લાખની વસ્તીવાળું શહેર બીરા ૯૦ ટકા તબાહ થઇ ગયું છે. ઝિમ્બાબ્વે અને મલાવીમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

દરિયાઇ તોફાન ઇડાઇએ મોઝામ્બિકના બીરા શહેરમાં પણ ભારે તબાહી મચાવી છે. ઝંઝાવાતી પવન અને અણધાર્યા પ્રચંડ પૂરને કારણે જાનમાલની મોટા પાયે ખુવારી થઇ છે. ધસમસતાં પ્રચંડ પૂરનાં પાણી સાથે હજારો ઘરો તણાઇ ગયાં છે અને મોટા ભાગના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે.

રાજ્યના રેડિયો મોઝામ્બિક પર રાષ્ટ્રજોગ સંદેશામાં રાષ્ટ્રપતિ ફિલિપ નૂસીએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે અમને એવું લાગ્યું હતું કે સત્તાવાર મૃત્યુ આંક ૮૪ છે, પરંતુ હવે એવું પ્રતીત થઇ રહ્યું છે કે ૧,૦૦૦થી વધુ લોકોએ પ્રચંડ પૂર અને તોફાનમાં જીવ ગુમાવ્યા છે અનેક લોકો ઘાયલ અને લાપતા થયા છે. એકલા પૂર્વ ઝિમ્બાબ્વેમાં લગભગ ૧,૦૦૦થી વધુ ઘરો નાશ પામ્યાં છે.

મોઝામ્બિકના સેન્ટ્રલ પોર્ટ શહેર બીરા ૯૦ ટકા ઉષ્ણ કટિબંધના ચક્રવાત ઇકાઇ દ્વારા સંપૂર્ણપણે નાશ થઇ ગયું છે. રેડક્રોસે જણાવ્યું છે કે તમામ નદીઓમાં પ્રચંડ પૂર આવ્યાં છે અને દ‌િક્ષણ મલાવીમાં ૧૧,૦૦૦ ઘરને નુુકસાન થયું છે. સંયુકત રાષ્ટ્રસંઘની એજન્સીઓ અને રેડક્રોસ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

You might also like